વેકેશન

એકસામટી ગોરસઆમલી ખાવાની ને પછી ડચુરો બાઝે એટલે પાણી પીવાનુ એવું નાના હતા ત્યારે બહુ કરતા. આજે વર્ષો પછી ગોરસઆમલી ખાધી ને જાણે સ્મરણોનો ડચુરો બાઝ્યો, આંખમાંથી પાણી ચૂવા લાગ્યુ.

વેકેશન એટલે મોજમસ્તીનો છુટ્ટો દોર. મોડા ઉઠવાનુ, મસ્તી કરવાની. બપોરે પરાણે પરાણે સુવાનુ કે પછી અમદાવાદની બાજી, નવો વેપાર, ચાયનીઝ ચેકર, કેરમ રમવાના ને સાંજે બાગમાં જવાનુ. રાત્રે બરફનો ગોળો કે આઇસક્રિમ ખાવાનો. બરફના ગોળા પર બે-ત્રણ વાર શરબત લઇને ચૂસવાનો, કેટલી મઝ્ઝા. હવે બરફનો ગોળો ચૂસીએ છીએ તો ઉપરનો રંગ ચૂસાઇ જાય છે ને સામે આવી જાય છે સમયનુ ધોળુ ધબ્બ સત્ય. હવે એ બાળપણ નથી, એ મઝા નથી.

આથેલા ચિરિયા ફ્રોકના ખિસ્સામાં સંતાડીને ખાવાની મઝા અથાણાં કરતાં અનેક ઘણી વધારે છે એ તો જેણે ખાધા હોય તેને ખબર હોય!

સાંજે કેટલી બધી રમતો રમવાની….માલદડી, ઊભી ખો, પકડદાવ, આઇસ-પાઇસ, થપ્પો, પત્તા. રમતો તો અત્યારે’ય રમીએ છીએ..બસ થોડી જુદી રીતે, જુદા લોકો સાથે.

નાના હતા ત્યારે વેકેશનમાં મામાને ઘરે જતા ને હવે મમ્મીના ઘરે.

એને

એને ખબર હોય છે
માળિયાના ક્યા ખૂણામાં
શું પડ્યું છે,
કઇ દિવાલ પર
ભેજ ઉતરે છે,
ફ્રીજના ક્યા ખાનામાં
બટર છે,
ને,
રસોડાની કઇ દિવાલ પર
વંદાના ઇંડા છે.
પણ,
કોઇને’ય ખબર નથી હોતી
કે એના મનના ક્યા ખૂણામાં
શું ધરબાયું છે,
કઇ વાતે
એની આંખોમાં ભેજ ઉતરે છે,
સંતાનો બટર મારે
તો સ્મિત કરે છે,
અને પેલા
વંદાના ઇંડામાંથી
બચ્ચા જન્મે છે!

એક કવયિત્રી

Facebook Auto Publish Powered By : XYZScripts.com
Facebook