Skip to content

બાળક એક ગીત ૨.૫

દિકરા જૈત્ર,

આજે તને વાર્તા કીધા પછી તું સૂઇ ગયો. આજે મેં પણ ખાસ્સા સમય પછી પુસ્તક વાચ્યુ. શ્રી સુધા મૂર્તિ લિખિત ‘સંભારણાની સફરે’ માં એક વાર્તા છે ‘ભાભુ ને ભણાવ્યા’. જેમાં શ્રી સુધા મૂર્તિ એમના દાદીને ભણાવે છે. ખુબ જ હ્રદયસ્પર્શી અને ભણતરનું મહત્વ સમજાવતી વાત હતી.
આજે તારુ એડમિશન પણ લીધુ.ભણતી વખતે કદાચ મઝા ના આવે પણ પછી એ ભણતરની કિંમત સમજાય છે. ભણવું એટલે માત્ર પુસ્તકના બે પુઠાં વચ્ચેનું જ એમ નહિ. ભણવું એટલે દરરોજ કંઇક નવું શીખવું. જીવનમાં દરરોજ ક્ંઇક ઉમેરવું. શીખવા માટેની કોઇ ઉંમર નથી હોતી. ગુજરાતીમાં એક કહેવત છે ‘પાકા ઘડે કાંઠા ન ચઠે’, પણ જો ઉંમરલાયક લોકો કોમ્પ્યુટર, લેપટોપ કે સ્માર્ટ ફોન શીખી શકે તો આપણે તો દરરોજ કંઇક નવું શીખી જ શકીએ ને!

તને ખબર છે મને તો દરરોજ નવું શિખવું ગમે છે. ક્યારેક નવી વાનગી, ક્યારેક નવી પ્રકારનું ચિત્ર, ક્યારેક નવી ટેક્નોલોજી. અને આ બધા માટે ગુગલનો આભાર માનુ એટલો ઓછો છે! જ્યારે નવી વાનગી શીખવી હોય એટલે યુટ્યુબ પર વીડિયો જોતા જવાનો અને બનાવતા જવાનું. એટલે આવડી જાય. અને સૌથી મઝાની વાત કે વીડિયોમાં ‘તને નહિ આવડેમ રહેવા દે’ એવું કોઇ ના કહે ઉપરથી વીડિયો રીવાઇન્ડ – ફોર્વ્ડ કરી કરી ને જોવાય.

તને પણ હું ક્યારેય ‘તને નહિ આવડે’, ‘તને નહિ ફાવે’ કહેતી નથી, કારણકે કોઇ શીખીને નથી જન્મ્યું પણ નવું નવું શીખવા માટે જ જન્મ્યું છે. હવે મારું સાંભળી સાંભળી ને તું પણ કહે છે કે પ્રેકટિસ કરવાની એટલે આવડી જાય. તને જ્યારેય કઇક નવું આવડે છે ત્યારે તારી આંખમાં ખૂશી જોવાની મને બહુ જ ગમે છે દિકરા!

આજે બહુ બધા દિવસ પછી લખાયું કારણકે વાંચતા-વાંચતા ભણવાની જ વાત આવી અને બાજુમાં નિશ્ચિંત રીતે સુતેલો તું પણ!

લિ.
તને વ્હાલ કરતી તારી મમ્મી

Published inબાળક એક ગીત

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!