Category Archives: અન્ય સાહિત્ય

બાળક એક ગીત ૨.૧૧

દિકરા જૈત્ર,

બહુ દિવસ થયા નહિ આપણે આવી રીતે વાતો કરી નથી. પણ હમણાં મારી પાસે ખાસ કંઈ કામ નથી એટલે થયું લાવ નિરાંતે વાત કરું.

હવે તું જ્યાં ત્યાં લગાવેલા બોર્ડ પર સ્પેલિંગ વાંચવાનો પ્રયત્ન કરે છે. અને જે આલ્ફાબેટ ખબર ન પડે તે મને પૂછે છે. જ્યારે તને આલ્ફાબેટ નહોતા આવડતાં ત્યારે વાંચી શકતો નહોતો અને મને અહેસાસ થતો કે એક અભણ માણસને કેટલી તકલીફો પડતી હશે. એને વાંચતાં લખતાં નહિ આવડતું હોય તો કેવી શરમજનક પરિસ્થિતિમાં મુકાવુ પડતું હશે.

તેં મારા મોબાઈલમાં ‘ટોકિંગ એન્જેલા’ નામની એક ગેમ રાખી છે. જે આપણે બોલીએ તે રીપીટ કરે. અને જ્યારે તું મારી કહેલી વાતો રીપીટ કરુ છું ત્યારે હું તને મારી ‘ટોકિંગ એન્જેલા’ કહુ છું. હું ‘I love you jaitu’ કહું ને મને તું ‘I love you mummy’ કહે ત્યારે મને મારા પ્રેમનો પડઘો પડતો લાગે. તારી નાની નાની વાતો અને રમતોમાં જોડાવાનું બહુ ગમે છે. તને મેં હમણાં ‘લંગડી’ રમતાં શીખવાડી એટલે તું થોડી થોડી વારે મમ્મા ચલને લંગડી રમીએ એમ કહીને લંગડી કરીને દોડવા લાગે છે.

તું જાતે જાતે જ બધા પ્લાન બનાવે છે, “પહેલાં જમી લઈએ…. Right? પછી હોમવર્ક કરીએ પછી રમીએ….Ok?” અને મને તારા પ્લાનને ખૂશી ખૂશી અનુસરવાનું. તારે મને તારી સાથે રમાડવું હોય એટલે તું મને ‘લેપટોપ’ બંધ કરાવી દે. વરસાદી વાતાવરણ જોઈ તું મને કહે “ચલ ને મમ્મા બાલ્કનીમાં બેસીને મસ્ત એટ્મોસ્પિયર જોઈએ.” આપણે સાથે બેસીને ચાની લહેજત પણ માણી છે. આ દિવસો મારા માટે જીવનભરનું સંભારણું છે.

તારે નીચે રમવા જવું હોય ત્યારે મારા મોબાઈલમાં ‘વેધર રિપોર્ટ’ જોઈ લે છે ને પછી મને કહે છે “મમ્મા હમણાં વરસાદ નહિ પડે ચલ નીચે રમવા જઈએ.”

જો આજે બહુ વરસાદ પડશે તો આપણે નીચે કાગળની હોડી ચલાવવાં જઈશું..પાક્કુ…ઓકે?

લિ.
તને બહુ વ્હાલ કરતી તારી મમ્મી.

અગાશી

ખા…સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ.

પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે અગાશી પર જઈ મોટે-મોટેથી ‘ચાલો રમીએ હોડી હોડી….’ ગોખતા. જાણે કોઈ સ્ટેજ કે સભાગૃહ હોય ને કેટલાય લોકો મને સાંભળતા હોય ! એ જ અગાશીમાં ચોરી છૂપીથી બધાની નજરથી સંતાડીને રાખેલી વાનગીની મિજબાની પણ માણી છે. સમજણા થયા પછી ઉનાળામાં રાત્રે તો ધાબા પર જ અડ્ડો. પહેલા પથારી પાથરી ને ઠરવા દેવાની અને એ પછી પરવારીને પહોંચી જવાનું ચંદ્ર-તારાઓની લગોલગ. સૂતાં સૂતાં ચંદ્ર અને તારાઓને જોવાનાં. સપ્તર્ષિની ઓળખાણ પુસ્તકની પહેલાં અગાશીએ કરાવી. સોળ-સત્તર વર્ષની ઉંમરે દરરોજ સાંજે સંધ્યાના રંગ માણવા અગાશી પર પહોંચી જાઉં. ત્યારે પણ મોટે-મોટેથી ગીતો ગાઉં. પક્ષીઓ સિવાય કોઈ મને સાંભળવા રાજી ન થાય ! ઉત્તરાયણમાં સવારથી પહોંચી જવાનું અગાશી પર. ચાદરનો ચંદરવો બનાવી દેવાનો. પતંગ ચગાવતાં તો આવડે નહિ પણ ચીક્કી-મમરાના લાડુની મોજ માણવાની.

શિયાળામાં ચોખાની પાપડી થાય તેનો ચૂલો પણ અગાશીમાં. મમ્મી સાથે સાથે હું પણ પાપડીઓ વણવામાં ને સૂકવવામાં જોતરાઈ જઉં. દિવાળી સમયે ઘરના ગાદલા-ગોદલા તપાવવા એક અગાશીનો જ આશરો. મુગ્ધવયે વરસાદની ઝરમર પણ અગાશીમાં માણી છે. મારી મા ની જેમ અગાશી પણ સાક્ષી છે મારા મનોભાવની ! સમય ચાલતો રહ્યો ને સાથે સાથે અગાશી સાથે જોડાયેલું લાગણીનું પોત પાતળું થતું ગયું. મારા લગ્નની વડીઓ મૂકાઈ ત્યારે એ જ અગાશી પર ઘરના સૌ ભેગાં થયેલાં. ઘરમાં આવેલા ઉત્સવનો પડઘો મારી અગાશીમાં પડેલો. હવે મોટા મોટા ફલેટમાં અલાયદી અગાશીઓ ન મળે પણ અગાશીની પ્રતિકૃતિ જેવી દીકરી ‘બાલ્કની’ મળે. સાવ જગ્યાનો અભાવ સર્જાયો હોય ત્યાં એની સૌથી નાની દીકરી ‘સ્ટેન્ડીંગ બાલ્કની’ મળે ! હવે મારા સાંજના સૂર્યને ગળી જાય છે મારી ખાનગી કંપનીના ‘વર્કીંગ અવર્સ’….. સૂર્યની સાથે સાથે જાણે અગાશી સાથેનો સંબંધ પણ ડૂબવા લાગ્યો છે !

પ્રકાશિત (રીડગુજરાતી.કોમ – ૨૨ ડિસેમ્બર)