Skip to content

ગાર્ડનનો હીંચકો

આજે અડધી રાત્રે હિંચકાનો અને મોટેથી હસવાનો અવાજ આવ્યો. ઊઠીને જોવાનું વિચાર્યું પણ આખો દિવસ આ જ અવાજો સાંભળીને ભ્રમ થતો હશે એમ લાગ્યું એટલે ઊઠવાનું માંડી વાળ્યુ. થોડી બીક પણ લાગી. શિયાળાની થીજી જવાય એવી ઠંડીમાં કોઈ અડધી રાત્રે ગાર્ડનમાં શું કામ આવે? એવો પ્રશ્ન પણ થયો.

નગરપાલિકાના આ પબ્લીક ગાર્ડનમાં ચોકી કરવાની નોકરીને વધારે સમય નહોતો થયો. જગ્યા સરસ હતી. વળી રહેવાનું પણ અહીં જ હતું એટલે આ નોકરી સ્વીકારી હતી. ખાસ તો શહેર બીજુ હતું એટલે કંઈ વાંધો નહોતો.

પણ, હમણાંથી જરા વિચિત્ર અનુભવો થતાં હતાં. એટલે સાવધ રહેતો હતો. કદ-કાઠી મજબૂત હતાં એટલે પહોંચી વળે એમ હતું. કંઈક સામે આવે તો લડાય પણ ખરું. પણ આ વિચિત્ર અનુભવો પહેલાં ક્યારેય થયાં નહોતાં એટલે શું કરવું એ સમજાતું નહોતું. બાજુમાં નજર કરી, પત્ની શાંતિથી સુતી હતી. ઓરડીમાં પણ નજર ફેરવી લીધી, બધુ બરાબર હતું. બારીમાંથી આવતા સ્ટ્રીટ લાઈટના ઝાંખા પ્રકાશમાં ખૂણામાં પડેલી ડાંગ પર જાણે લોહીના ડાઘા હોય એવો પહેલીવાર અહેસાસ થયો. પેટમાં ફાળ પડી. પડખું ફરી સૂવાનો પ્રયત્ન કર્યો પણ એમ ભૂતકાળથી છૂટી જવાય એમ નહોતું.

સવારે ઊઠીને પત્નીને પુછ્યું પણ ખરું, “કાલે રાત્રે તને હિંચકાનો અવાજ આવ્યો હતો?”

“ના. કેમ? તમને કાલે રાત્રે પાછો અવાજ આવ્યો?”

“હા. પણ આ વખતે હિંચકાનો અવાજ હતો.”

“ભ્રમ હશે. બાકી રાત્રે અગિયાર વાગે તો આપણે આ ગાર્ડન બંધ કરી દઈએ છીએ. તમે આખો ગાર્ડન ચેક કરો છો ને પછી જ તાળુ મારો છો.”

ખરેખર ભ્રમ હશે કે પછી…, આગળ વિચારતાં જ શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ગાર્ડનમાં દરેક જગ્યાએ સી.સી.ટી.વી કેમેરા લાગાવેલા હતાં. હવે પહેલું કામ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરવાનું કર્યું. અને આશ્ચર્ય તો એ વાતનું હતું કે ગઈકાલે રાત્રે ખરેખર હિંચકો હાલ્યો હતો. ધીમે-ધીમે નહિ પણ જાણે કોઈ એની પર બેસીને એને ઠેસ મારીને ચલાવતું હોય એમ. પણ ફૂટેજમાં હિંચકા પર કોઈ દેખાતું નહોતું. બે દિવસ પહેલાં આવી જ રીતે અડધી રાત્રે ચગડોળ ફરવાનો અવાજ પણ આવેલો. એટલે બે દિવસ પહેલાંની ફૂટેજ પણ જોઈ. ચગડોળ પણ ફરતું હતું. ફૂટેજ જોઈ કપાળ પર અને હાથમાં પરસેવો થઈ ગયો. જીભ સૂકાવા લાગી અને ગળામાં શોષ પડવા લાગ્યો. ચહેરો ફિક્કો પડી ગયો. તરત એ સી.સી.ટી.વી રુમની બહાર નીકળી ગયો. જમણા હાથ પર ગરમ કંઇક અનુભવાયું ને એ ચમક્યો. ડાંગ પર લોહીના રેલા ઊતરી રહ્યા હતાં.

“જો જો રેખા. આ ડાંગ…”, દોડતો એ ઓરડી તરફ ભાગ્યો.

“શું થયું? કેમ આટલા ગભરાયેલા છો? શું થયું ડાંગને?”, રેખા દિનેશને ઢંઢોળતી બોલી.

“જો આ ડાંગ પર લોહીના રેલા ઊતરી રહ્યા છે.”

“ક્યાં છે ડાઘા? ડાંગ પર તો કશું જ નથી.”

“છે. જો, પેલી સંતૂડીના માથામાંથી રેલો નીકળ્યો તો એવો જ રેલો છે.”

ડાંગ નળ નીચે ધરી. ઘસી ઘસીને સાફ કરી. પણ પાપ એમ થોડું ધોવાય!

“કોણ સંતૂડી. શેનો રેલો? શું થયું છે તમને.”

દિનેશ આખો દિવસ ઓરડીમાં પડ્યો રહ્યો. રેખાને પણ જરા ચિંતા થઈ.

રાત પડી ને દિનેશ ડરવા લાગ્યો. ઓરડીની બારીમાંથી દેખાતા ચગડોળમાં એને હસતી સંતૂડી, પોતાના અત્યાચારનો ભોગ બનેલી ચીસો પાડતી સંતૂડી, ‘કહી દઈશ…હું બધાને કહી દઈશ…’ ધમકી આપતી સંતૂડી, જમની પર ઢળી પડેલી – માથામાંથી લોહીના રેલા નીકળતી સંતૂડી દેખાઈ.

દિનેશની નજર ચગડોળ પર સ્થિર થઈ ગઈ. ચગડોળ ગોળ-ગોળ ફરવા લાગ્યું અને હસવાનો અવાજ ગાર્ડનમાં પડઘાયો.

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

5 Comments

 1. JAGDISHRATNOTTAR JAGDISHRATNOTTAR

  Wah 💐💐

 2. શીતલ શીતલ

  સરસ વાર્તા

 3. Hemal Hemal

  વાર્તાના કેન્દ્રમાં દિનેશનું પાત્ર હોવા છતાં રજૂઆતથી અંત સુધી પરીસ્થિતિનું વર્ણન, માનસિક મનોમંથન અને વીજળી વેગે આવતા અને જતા વિચારોથી અનુભવાતી વેદનાની અક્સર રજૂઆત!

 4. niva niva

  Rahasya vanchava prere evu .sunder rajuat.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!