Skip to content

ચાકડો

“દાદા, મને પણ આવા સરસ કોડિયાં બનાવતાં શીખવાડોને!”, વિધિ કૂદીને ચાકડા પાસે બેસી ગઈ.

“હા બેટા, ચોક્ક્સ શીખવાડીશ મને પણ તને શીખવાડવાની બહુ મજા આવશે.”

વિધિની શીખવાની ઈચ્છા જોઈને સોહનલાલે ઉત્સાહમાં જરા જોરથી ચાકડો ફેરવ્યો. માટી ગૂંદી રહેલા સવિતાબેનના પગ પણ બમણી ગતિથી ચાલવા લાગ્યા.

વિધિ આમ તો બે-ચાર દિવસ માટે જ ગામમાં બા-દાદાના ઘરે રહેવા આવેલી. પણ અચાનક આવી પડેલું લોકડાઉન બા-દાદા માટે આશીર્વાદરુપ બની ગયું. શહેરમાં રહેતી વિધિ આટલું લાંબુ તો પહેલી વાર જ ગામમાં રહી હતી. વળી અહીં માટીમાં રમવા માટે મમ્મી-પપ્પા ટોકતાં પણ નહીં. ક્યારેક બા સાથે માટીને પગથી ગૂંદવાની તો ક્યારેક દાદા પાસે હાથથી માટીના રમકડાં બનાવતાં શીખવાનું. સ્કૂલમાં મળતાં રંગબેરંગી ક્લે કરતાં એને આ માટીમાં રમવાની વધારે મજા આવતી.

“મારે આખી જિંદગી માટી નથી ગૂંદવી. સારું ભણીને સારી નોકરી કરવી છે.”

“હા તો ભણ ને, ભણવાની કોણ ના પાડે છે. પણ તારા ભણતર અને આવડતને ગુણીને આપડે આપડા આ વારસાને વધારે સારી રીતે આગળ લઈ જઈ શકીએને.”

“ભણીને માટી જ ગૂંદવાની ને ચાકડો જ ચલાવવાનો હોય તો ભણવાનું શું કામ? મારે આ કામ નથી કરવું.”

“પણ બેટા, આ માટી આપણું મૂળ છે. આ માટીને આપણે ઘડીએ છીએ એનાં કરતાં વધારે એ આપણને ઘડે છે.”

“તમે એની ઈચ્છાને આડે ન આવો. એને નોકરી કરવી હોય તો ભલે એમ. એ રાજી એમાં આપડે’ય રાજી.”, સવિતાબેન પહેલી વાર બાપ-દિકરાની વાતમાં વચ્ચે પડયા હતાં.

વર્ષો પહેલાં થયેલો આ સંવાદ આજે વિધિને માટીમાં આનંદ કરતાં જોઈને પાછો જીવતો થઈ ગયો. પણ આ આનંદ ઝાઝો ટકવાનો નહોતો. માટીમાં રમતી આ શેર માટી વહેલા મોડા શહેરના નિભાડમાં ઝોકાઈ જવાની હતી. બસ પછી એકલાં રહી જવાના હતાં માટી અને ચાકડો. વિચાર માત્રથી સોહનલાલ ઉદાસ થઈ ગયા. ઊભા થઈ માટીવાળા હાથ ધોયા ને સાથે સાથે ચાકડો ચાલતો રહેશે એવી આશા પણ ધોવતી લાગી.

“ચાલ, આજે હું તને કોડિયાં બનાવતાં શીખવાડું.”, કહી સમીર ચાકડા પાસે બેઠો.

“તમને આવડે છે પપ્પા?”

“હા. હું તારા જેટલો હતો ત્યારે દાદાએ મને પણ શીખવ્યું હતું. જો આમ માટી લઈ, પાણી રેડવાનું. પછી પગેથી માટીને ગૂંદવાની. ગૂંદેલી માટીને થોડી-થોડી લઈ ચાકડા પર મૂકવાની. અને ચાકડાને લાકડીથી ગોળ ફેરવાનો. પછી માટીને હાથથી જે આકાર આપવો હોય તે આપવાનો.”, એક કોડિયું બનાવી બાજુ પર મુકતાં સમીર બોલ્યો.

“વાઉ, પપ્પા. તમે તો કેટલું સરસ કોડિયું બનાવ્યું. બિલકુલ દાદા જેવું જ.”

“બસ પછી એને નિભાડામાં મૂકવાનું. એટલે એ તપીને પાક્કુ કોડિયું બની જાય.”

સમીરનું ધ્યાન મોબાઈલમાં વાગેલા નોટિફિકેશન સાઉન્ડે તોડયું. અને ઓફિસનો મેસેજ વાંચવા લાગ્યો.

‘વી રીગ્રેટ ટુ ઈન્ફોમ યુ, ડ્યુ ટુ કોવિડ-૧૯ વી કેન નોટ અફોર્ડ મેની પીપલ ઈન અવર કંપની. યુ આર ગોઇન્ગ ટુ ફાયર ફ્રોમ ધીસ જોબ વીથ ઈમીડીયેટ ઈફેક્ટ.’, મેસેજને જોઈ સમીરે ચાકડો જરા જોરથી ફેરવ્યો. લોકડાઉનમાં ધીમુ પડેલું અર્થતંત્ર કદાચ આ ગતિએ ચાલવા લાગે.

વર્ષો પછી ચાકડો ચલાવવામાં સમીરને આનંદ આવ્યો એ વાત સોહનલાલથી છાની ન રહી. બાપ-દિકરાની નજર મળી. સો કોડિયાં એક સાથે પ્રગટ્યાં હોય એવો આનંદ બન્નેની આંખોમાં ચમક્યો!

સમીરના હાથ ફરી કોડિયાં બનાવવામાં પરોવાયાં અને અંદર અજવાળું થતું ગયું.

આ વાર્તાનું વાચિકમ વિરલભાઈ રાચ્છે કર્યું છે એમના જ અવાજમાં

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

2 Comments

  1. Mayur joshi Mayur joshi

    Nice insight of small incidences of life ..
    keep sharing ,

  2. Tejal Thakkar Tejal Thakkar

    ખુબ સરસ…. 👏🏻👏🏻👏🏻👏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!