આમ તો વસંતે આગમનની છડી પોકારી જ દીધી છે. પણ, મને તો એની ખબર મારા ઘરની રસોડાની ચોકડીમાં રાખેલા કૂંડાએ આપી. નવજાત જન્મે ને નર્સ આવીને કહી જાય એમ હવાએ મને આવીને કાનમાં ખૂશખબર આપી, “તમારે ત્યાં વસંત આવી છે!”
આખું વર્ષ લગભગ સૂકાઈ ગયેલી હાલતમાં કૂંડામાં રહેલો મોગરો દરરોજ ગણગણતો હતો, “અપના ટાઈમ આયેગા…અપના ટાઈમ આયેગા…” અને જેવો એનો સમય આવ્યો કે મનભરીને ફાલવા લાગ્યો. દરરોજ સવારે ચોકડીનું બારણું ખોલું ને સુગંધનું એક મોજુ આવીને મને તરબતર કરી દે. મોગરા પર આજે કેટલી કૂંપણ ફૂટી એ ગણવા લાગુ. સૂકી થઈ ગયેલી ડાળમાં ફૂટતું ચેતન જોઈ મન નવપલ્લવિત થઈ જાય! મોગરો તો મને અત્યારે રાજાની રાજ્કુંવરી જેવો લાગે છે જે દિવસે ના વધે એટલી રાત્રે વધે અને રાત્રે ન વધે એટલી દિવસે વધે!
આંખ સામે જ કંઈક ઉગતું જોવાની, મોટું થતું જોવાની મજા જ અનોખી છે. લક્ષ્મી-નારાયણનું પ્રિય પુષ્પ કમળ ઉગાડવાનો ત્રીજો પ્રયત્ન કર્યો. નાના જ કાચના વાડકામાં કમળકાકડીને મૂકી. ICUમાં રાખેલા સ્વજનને જેટલી આશાથી સાજા થવાની રાહ જોઈએ એવી જ રાહ મેં કમળકાકડીમાંથી ફણગો ફૂટે એ માટે જોઈ છે. કદાચ કોઈ દિવ્ય ક્ષણે એમાં કમળ ખીલશે ત્યારે સમજીશ કે સાક્ષાત લક્ષમી-નારાયણ ઘરે પધાર્યા છે.
ઘરના કોઈ ખૂણામાં રાખેલી કાચની બોટલમાં પાણીમાં મુકેલો મનીપ્લાન્ટ એના લીલા કચ્ચ કે લીલા અને સફેદ રંગના મિશ્રણવાળા પાનથી આખા ખૂણાને જીવંત કરી દે છે. વળી કોઈ ખૂણમાં લીલા ઝેરીલા સાપની જેમ કૂંડામાં રાખેલા ટેકાના વીંટળાઈ વળ્યો છે. કોઈ છોડ થાય ન થાય મનીપ્લાન્ટ તો જાણે બારેમાસ સાથ આપતું સાથીદાર.
એક પાનમાંથી પણ ફૂટે તે ‘પાનફૂટી’. એની પર કળીઓ આવેલી એ તો સાવ અચાનક જ ખબર પડેલી. અને હવે તો આખુ કૂંડુ પાનફૂટીના જાડા પાનથી લચી પડ્યું છે.
આ બધાથી’યે વધારે આસ્થાથી સચવાય એ તુલસી. સવાર-સાંજ તુલસી પાસે થતો દીવો બુઝાય ત્યારે કોઈ જીવને મોક્ષ મળ્યો હશે એવું અનુભવાય!
ઘરના કૂંડામાં વસંત બેસે ત્યારે જાણા આખા ઘરને સોળમું બેઠું હોય એવું લાગે!
ખૂબજ સુંદર રચના છે આ તમારી.ધન્ય છે તમારી ધીરજતા ને.
વાહ…ખુબ સરસ… આ વાંચતા વાંચતા હું તારા ઘરના ખૂણે ખૂણે ફરી આવી જાણે ❤️
ખૂબ સરસ લખ્યું છે… અલગ અલગ વસ્તુ ને જે પ્રમાણે અલંકાર આપ્યા છે તે ખૂબ સરસ છે… વાંચવાની મજા આવી… જ્યારે આપણે છોડ વાવીએ ત્યારે તેની સાથે આપણી લાગણી જોડાઈ જાય છે તે સરસ રીતે પ્રસ્તુત થાય છે.
ખૂબ ખૂબ અભિનંદન