પુસ્તકનું નામ – છૂંદણાં

લેખક – શ્રી જિજ્ઞા પટેલ
લેખિકા પરિચય – શ્રી જિજ્ઞા પટેલ સામાન્ય પરિવારમાં જન્મ્યા અને ઉછર્યાં છે. આઠ બહેનોમાં એ સૌથી નાના છે. જિજ્ઞાબેન કેશોદના રહેવાસી છે અને એેમએ.બીએડ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ સરકારી શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેમના બે પુસ્તકો પ્રકાશિત થયા છે તેમાંથી ‘છૂંદણાં’ તેમનું બીજુ પુસ્તક છે. તેમનું પ્રથમ પુસ્તક ‘અન્વીક્ષા‘ છે. બાળકોને ભણાવવા સિવાય એમને વાંચનનો, ફરવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે.

પુસ્તક વિશે – સ્ત્રી અને પીડાને એક અજોડ નાતો છે. ‘છૂંદણાં’ પુસ્તકમાં આવી જ અસંખ્ય પીડાઓની વાતો વાર્તા રુપે કહેવામાં આવી છે. આ પુસ્તકમાં મોટેભાગે ગ્રામ્ય જીવનની સ્ત્રીઓ છે. જેને પોતાના અધિકારો વિશે ઝાઝુ ખબર નથી. વળી બળવો પોકારવાની જેને સખત મનાઈ છે એવી સ્ત્રીઓની વાત છે. અહીં સાવ સામાન્ય સ્ત્રીઓની વાત છે. જેમ છૂંદણાં છૂંદાવતી વખતે પીડા થાય અને પછી એની નિશાની છૂંદણાં સ્વરુપે શરીર પર રહી જાય એવી પીડાની વાર્તાઓ છે. અને એટલે જ પુસ્તકનું મુખપૃષ્ટ ઝાઝા છૂંદણાં છૂંદાયેલો હાથ છે. જોકે છૂંદણાંમાં ક્યારેક પીડાની સાથે પ્રણયની કોતરણીઓ પણ આવી જાય. એકાદ પ્રેમથી લખેલું નામ જીવનભર સાથે રહે કે ન રહે પાસે ચોક્કસ રહે!
આ પુસ્તકની દરેક વાર્તામાં મુખ્ય પાત્ર સ્ત્રી છે અને એને પીડિત કરતા પાત્રમાં પુરુષ કે પછી કહેવાતો સમાજ અને એના નિયમો છે. પુસ્તકની વાર્તાઓ ગ્રામ્ય જીવનની છે એટલે એનો પરિવેશ અને ભાષા પણ ગ્રામ્ય જીવનના છે. એટલે કોઈ સામાન્ય માણસ કે શહેરી માણસે આ પુસ્તક વાંચવા થોડી વધારે ચીવટ રાખવી પડે, ત્યારે વાર્તાના તળ સુધી પહોંચી શકાય. પુસ્તકમાં કુલ ૧૨ વાર્તાઓ છે અને દરેક વાર્તા ૧૨ મહિનાઓની જેમ જુદા-જુદા રંગ લઈને પ્રસ્તુત થાય છે.
“વાઈળ”ની વિધવા લીલું સમાજના નિયમોની વિરુધ્ધ જાય ત્યારે આખુ ગામ એને ગાંડી ગણે. અને “છવ્વીસ મૂલ” વાંચીએ ત્યારે ખબર પડે કે એક દીકરીના શીલનું મૂલ્ય વળી કેટલું? “સમાધાન” સાથે કરેલા લગ્નમાં માત્ર લગ્ન સમયે નહીં પણ આખું જીવન કેટલા સમાધાન સાથે જીવવાનું હોય એ અલ્પા કહી શકે. જે પગે પતિ પાટુ મારે એ જ પગને એની પીડાના સમયે દબાવી આપતી સ્ત્રી જયા ક્યા ભાવે એવું કરી શકતી હશે એવો પ્રશ્ન ચોક્ક્સ થાય.
સ્ત્રી હંમેશાં બાળકની જ મા હોય એવું જરુરી નથી એ ઘરમાં રાખેલા અબોલ પશુઓની પણ મા હોય છે. “પણ વાસડીય વઈ જાહે એવું તો ન’તું ધાર્યું. ઈ હતી તો જરાક એમ હતું કે આંગણું બોડું તો નંઈ લાગે.”, આવુ જગાની વવ અનુભવી શકે. ‘ચોંત્રીસ’ નામની વાર્તા વાંચીએ ત્યારે હ્ર્દયના ચોંત્રીસ ટુકડા થઈ જાય અને એકે ટુકડો હાથ ન આવે. ‘મને મારા હસબન્ડ નથી ગમતા.’ એવું સેજલ ડાયરીના છાના ખૂણે લખી શકે. વ્યકત થઈ શકવા માટે ડાયરીના કાગળમાં રહેતી ‘બા’ જ હાથવગી લાગે. અને ‘ટ્રેન’ વાર્તામાં વળી એક ભીખારણ બાઈ ખુમારીથી કહે કે, ‘ના હોં…ભણેલાં જ આંયા ટેશને મરવા આવે સે. મારા જેવી અભણને તો એટલી જ ખબર પડે કે જી કાંઈ દુઃખ ભાઈગમાં વોય ઈ જીરવી લેવાય.’, ત્યારે આપણી પાટા પરથી ઉતરી ગયેલી જિંદગી પાછી પાટા પર ચડી જાય.
પૃષ્ટ સંખ્યા – ૧૮૨
પ્રકાશક – ઝેન ઓપસ, હિંગળાજ માતા કંપાઉન્ડ, જુની હાઈકોર્ટ પાસે, નવરંગપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ.
પુસ્તક પ્રાપ્તિ વિગતો – આ પુસ્તક ઝેન ઓપસની વેબ્સાઈટ પરથી અને ઍમેઝોન પરથી પણ ઑર્ડર કરી શકાય છે.
કિંમત – ૩૦૦ રુપિયા
આવા અન્ય પુસ્તકોના રીવ્યુ અહીં વાંચી શકશો.
Be First to Comment