પ્રિય મિત્રો,
વાસંતીફૂલ આજે નવસર્જન પામી જે આપની સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવુ છું. વત્તાઓછા અંશે સંવેદના સૌની પાસે છે, પણ એને વ્યક્ત કરી શકવાનું સામર્થ્ય અને સૌભાગ્ય જૂજ લોકોને જ મળે છે. મને એ સૌભાગ્ય મા સરસ્વતી તરફથી મળ્યું છે તેની કૃતજ્ઞતા મા સરસ્વતીના ચરણોમાં વ્યક્ત કરુ છું.
થોડા સમય પહેલાં મેં એક વાર મારા દિકરા જૈત્રને કહેલું કે મેં મારા લખવાની બાબતને ગંભીરતાથી લીધી/કરી નથી. નહિંતર કદાચ ઘણું લખાયું હોત. ત્યારે એણે મને કહેલું, “હજી મોડું નથી થયું.”. અને એ વાક્ય મારા હ્ર્દય સોંસરવું ઊતરી ગયેલું. જાણે મારા બંધ પડી ગયેલા લખાણને સીપીઆર મળ્યું હોય એમ લાગ્યું. આ વાત બની એના થોડા વખત પછી જ મારું કમ્પુટર ક્રેશ થયું અને બાકી હતું તે વળી મારી સાઈટ પણ. લખેલો કાગળ ફાટી જાય અને એના ટુકડાને જીક્સો પઝલની જેમ ગોઠવીએ એમ બધું ભેગું કર્યું. અને છેવટે એ જીક્સો પઝલ વાસંતીફૂલ સ્વરુપે ફરી આકાર પામી.
મારો ભત્રિજો આ વખતે ભારત આવ્યો ત્યારે તેણે મને એક વાત પૂછેલી, “મારા શિક્ષક કહેતાં હતાં કે લેખક/કવિ પાસે પાવર હોય છે અને એટલે ક્યારેક એમના લખાણમાં વ્યાકરણ બરાબર ન હોય એવું બને.”, શું કવિ/લેખક પાસે એવો સુપર પાવર સાચ્ચે હોય છે? અને ત્યારે મારી અંદર આવો સુપર પાવર છે એવું અનુભવાયું. લખવાનું ત્રુટક-ત્રુટક થાય કે સાવ ન લખાય ત્યારે પ્રશ્ન થાય કે હવે લખાશે કે નહિ? અને ત્યારે આવા નાના-નાના તણખા મારી બુઝાવવા આવેલી જ્યોતને પ્રજ્વલિત રાખે છેં. આ જ્યોત ઝળહળતી રહે તેવી ઈચ્છા!
અહીં લખેલું ક્યાંક મારા જીવનમાં, મારી આસાપાસની સૃષ્ટિમાં કે ક્યારેક સાવ કલ્પનામાંથી અવતરે છે. મારું લખેલું તેમને ક્યાંક તમારી સાથે, જીવન સાથે કે સંવેદના સાથે જોડે છે તો આપણે આ રીતે પણ જોડાયેલાં છીએ. ‘સંપર્ક‘ નામનો એક વિભાગ તમારા સૂચનો માટે રાખ્યો છે. જે તમને મારી સાથે ઈ-મેઈલ દ્વારા જોડશે. જે તે નવી પોસ્ટ માટે, પોસ્ટની નીચે આપેલો ‘ટિપ્પ્ણી’ વિભાગ આપણી વચ્ચેનો સેતુ બનશે. નવી પોસ્ટની જાણકારી તમારા ઈ-મેઈલમાં મેળવવા તમે ઈ-મેઈલ લીસ્ટમાં સબસ્ક્રાઈબ કરવાનું રહેશે.
મારા શબ્દો તમારા સુધી પહોંચે!
શબ્દને બ્રહ્મ કહ્યો છે. હું મારા શબ્દોને એ બ્રહ્મને, બ્રહ્મમાંડને અને બ્રહ્મમાંડની એ પરમ ચેતનાને સમર્પિત કરું છું. પરમ ચેતનામાંથી આવેલા આ શબ્દો સધળું ચેતનવંતુ રાખે તેવી આશા!
વિ.સં. ૨૦૮૨, ચૈત્ર સુદ પૂનમ, હનુમાન જયંતિ, ગુરુવાર
