‘હ્રદય સમીપે’ નામ વાંચીને તમને આશ્ચ્ર્રર્ય થશે કે આ કેવું નામ. પણ પુસ્તક વાંચતાં-વાંચતાં છાતી પર પુસ્તક મૂકીને એ પુસ્તકના વિશ્વમાં ખોવાઈ જવાની અલગ જ મજા છે. એ પુસ્તક આપણા હ્રદયની પાસે જ હોય છે અને એટલે જ આ શ્રેણીનું નામ ‘હ્રદય સમીપે’ રાખ્યું છે. મારા હ્રદયની સમીપે રહેલાં પુસ્તકો આપના હ્રદય સુધી પહોંચાડી શકું એનો એક નાનકડો પ્રયાસ છે. અને ખાસ કે હું જે પુસ્તકો વાંચુ છું એ પુસ્તકો વિશે જ હું અહીં લખુ છું. પણ એનો મતલબ એ નથી કે એ સિવાયના પુસ્તકો વાંચવા જેવા નથી.
જ્યારે જીવનમાં અંધકાર લાગે ત્યારે આ પુસ્તકોનું અજવાળુ જ આપણો માર્ગદર્શક બને છે એવું મેં ઘણી વાર અનુભવ્યું છે.
આ શ્રેણી અહીં શરુ કરી એ પહેલાં અક્ષરનાદ પર ‘પરિભ્રમણ‘ નામે પુસ્તક પરિચયની શ્રેણી થઈ ચૂકી છે. તે પુસ્તકો વિશે તમે અક્ષરનાદ પરથી વાંચી શકશો.
આ પુસ્તક પરિચયમાં શું હશે? એ પ્રશ્ન વાચક તરીકે તમને હશે જ… તો આ પુસ્તક પરિચયમાં પુસ્તકનો કેન્દ્ર વર્તી વિચાર, લેખકનો ટૂંકો પરિચય, લેખકનો ફોટો, પુસ્તકનો ફોટો, પુસ્તકના લખાણ વિશે વિસ્તાર પૂર્વક, પુસ્તક્ના પાનાની સંખ્યા, પુસ્તક પ્રાપ્તિની વિગતો પણ. જેથી પુસ્તક ખરીદતાં પહેલાં પુસ્તક તમારા રસના વિષય સાથે મેચ થાય છે કે કેમ અથવા સાહિત્યના કોઈ નવા વિષયને વાંચવાનો/જાણવાનો અવસર પણ મળશે.
આશા છે અહીં પ્રસ્તુત પુસ્તક તમને પણ વાંચવું ગમશે.
