સાઇટ વિશે
રક્ષાબંધન એ ભાઇ બહેનના પ્રેમનો પવિત્ર દિવસ છે, અને આ સાઇટનુ ડોમેઇન પણ આ જ દિવસે મને મારા વ્હાલા ભાઇ નિશિત તરફથી ગયા વર્ષે ભેટ સ્વરુપે મળ્યુ છે.
સમયની વ્યસ્તતા અને એથી વિશેષ મારા આળસ ને કારણે લગભગ એક વર્ષ સુધી સાઇટ બનાવવાની દિશામાં કંઇ કામ કરી શકી નહોતી. પણ મારા પપ્પાના સતત આગ્રહ ને કારણે મારી રચનાઓને ‘ડિજીટલાઇઝ’ કરવાનુ કામ હાથ પર લઇ શકી છું. આ જ કારણે મને વિચાર આવ્યો કે જેમણે મને સતત પ્રોત્સાહિત કરી તે માતા-પિતાના હાથે જ આ સાઇટ પબ્લીશ થાય. ૨૯, એપ્રિલ એ મારી મમ્મીનો જન્મ દિવસ અને ૫, મે પપ્પાનો જન્મ દિવસ – અને લગભગ એ સમયગાળામાં જ આ વેબસાઇટ તેમના હાથે જ પબ્લીશ કરી રહી છું.
આ ડોટકોમની દુનિયામાં મારી લાગણીઓને મુકવાનો આશય દરેક કોમના કોમન મેન સુધી એ વાત પંહોચાડવાનો છે કે બધા જે વિચારે છે, અનુભવે છે તે કદાચ લખી શકતા નથી, પણ જો તમે કંઇ પણ અનુભવીને લખી શકો છો તો તમે કોઇ પણ કારણોસર તેને અટકાવતા નહિ. કોઇના માટે નહિ પણ પોતાના માટે પણ લખવાનું ચાલુ રાખજો. કંઇ નહિ તો છેવટે રોજનિશિ પણ લખો, ક્યારેક તમે પોતે જ ભવિષ્યમાં વાંચશો તો ઘણુબધુ તેંમાંથી મળી આવશે, અને ત્યારે તે ખજાના જેવુ લાગશે. તમારા નાનામાં નાના વિચારને લખો, ભલે તે ગમે તેવો હોય. ગાંધીજીનો એક નાનો વિચાર જ તેમને આઝાદીની લડત કે સત્યાગ્રહ સુધી લઇ ગયો હશે ને!!
આ વેબસાઇટ બનાવવા માટે મને જો કોઇએ પ્રેરી છે તો તે મારો ભાઇ છે. મારી શબ્દોની યાત્રામાં સતત સાથે રહ્યા છે મારા મિત્રો, જેમણે જ્યારે મળ્યા ત્યારે પુછ્યું છે – “કંઇ લખ્યું નવુ?”. પપ્પાને સાહિત્યનો કોઇ શોખ નહી એટલે કદી મને સાંભળે નહી પણ કંઇ પણ નવુ કરવા માટે રોકે પણ નહી. મમ્મી મને સતત સાંભળે. અને હવે એ ઘરે થી બીજે ઘરે ગઇ છું ત્યારે ત્યાં મારા પપ્પા (સસરા) મને સાંભળે. મારા કવિમિત્રો પણ ખરા જે અવારનવાર પૂછે મારા લખાણ વિશે અને કોઇ કાર્યક્રમ હોય તો જણાવે પણ ખરા. મારા ક્ષેત્રની વ્યસતામાં પણ મને જો સાહિત્ય સાથે મજબુતપણે જકડી રાખનાર કોઇ હોય તો તે ગુજરાતી વેબસાઇટ્સ અને બ્લોગ્સ છે – ખાસ કરીને રીડગુજરાતી જ્યાંથી મને તમામ પ્રકારનું ગુજરાતી સાહિત્ય વાંચવા મળી રહે છે, પછી એ લલિત નિબંધ હોય કે કવિતા કે પછી ગઝલ અને ગીત.


63 comments so far
Leave a reply