Archive for January, 2012

ખા…સ્સો વખત થઈ ગયો અગાશી પર જવાયું નથી. અગાશી ભલે ઘરની અંદરનો ભાગ નથી પણ હજીયે હૈયાની અંદર મોકળી બની ગયેલી એક જગ્યા તો છે જ. અગાશી સાથે જોડાઈ છે અસંખ્ય ઘટનાઓ, અસંખ્ય વિચારો અને અસંખ્ય લાગણીઓ.

પહેલાં ધોરણમાં બા-દાદા સાથે રહેતી ત્યારે દાદા ભણાવતા ને કવિતા ગોખવા કહેતા. ત્યારે અગાશી પર જઈ મોટે-મોટેથી ‘ચાલો રમીએ હોડી હોડી….’ ગોખતા. જાણે કોઈ સ્ટેજ કે સભાગૃહ હોય ને કેટલાય લોકો મને સાંભળતા હોય ! એ જ અગાશીમાં ચોરી છૂપીથી બધાની નજરથી સંતાડીને રાખેલી વાનગીની મિજબાની પણ માણી છે. સમજણા થયા પછી ઉનાળામાં રાત્રે તો ધાબા પર જ અડ્ડો. પહેલા પથારી પાથરી ને ઠરવા દેવાની અને એ પછી પરવારીને પહોંચી જવાનું ચંદ્ર-તારાઓની લગોલગ. સૂતાં સૂતાં ચંદ્ર અને તારાઓને જોવાનાં. સપ્તર્ષિની ઓળખાણ પુસ્તકની પહેલાં અગાશીએ કરાવી. સોળ-સત્તર વર્ષની ઉંમરે દરરોજ સાંજે સંધ્યાના રંગ માણવા અગાશી પર પહોંચી જાઉં. ત્યારે પણ મોટે-મોટેથી ગીતો ગાઉં. પક્ષીઓ સિવાય કોઈ મને સાંભળવા રાજી ન થાય ! ઉત્તરાયણમાં સવારથી પહોંચી જવાનું અગાશી પર. ચાદરનો ચંદરવો બનાવી દેવાનો. પતંગ ચગાવતાં તો આવડે નહિ પણ ચીક્કી-મમરાના લાડુની મોજ માણવાની.

શિયાળામાં ચોખાની પાપડી થાય તેનો ચૂલો પણ અગાશીમાં. મમ્મી સાથે સાથે હું પણ પાપડીઓ વણવામાં ને સૂકવવામાં જોતરાઈ જઉં. દિવાળી સમયે ઘરના ગાદલા-ગોદલા તપાવવા એક અગાશીનો જ આશરો. મુગ્ધવયે વરસાદની ઝરમર પણ અગાશીમાં માણી છે. મારી મા ની જેમ અગાશી પણ સાક્ષી છે મારા મનોભાવની ! સમય ચાલતો રહ્યો ને સાથે સાથે અગાશી સાથે જોડાયેલું લાગણીનું પોત પાતળું થતું ગયું. મારા લગ્નની વડીઓ મૂકાઈ ત્યારે એ જ અગાશી પર ઘરના સૌ ભેગાં થયેલાં. ઘરમાં આવેલા ઉત્સવનો પડઘો મારી અગાશીમાં પડેલો. હવે મોટા મોટા ફલેટમાં અલાયદી અગાશીઓ ન મળે પણ અગાશીની પ્રતિકૃતિ જેવી દીકરી ‘બાલ્કની’ મળે. સાવ જગ્યાનો અભાવ સર્જાયો હોય ત્યાં એની સૌથી નાની દીકરી ‘સ્ટેન્ડીંગ બાલ્કની’ મળે ! હવે મારા સાંજના સૂર્યને ગળી જાય છે મારી ખાનગી કંપનીના ‘વર્કીંગ અવર્સ’….. સૂર્યની સાથે સાથે જાણે અગાશી સાથેનો સંબંધ પણ ડૂબવા લાગ્યો છે !

પ્રકાશિત (રીડગુજરાતી.કોમ – ૨૨ ડિસેમ્બર)

આત્મા તો ક્યારનો નીકળી ગયો
હવે
બચ્યું છે શરીર માત્ર
ન મારો ગમો-અણગમો
ન મારી ખુશી-નાખુશી
ન આભાર ન અભિવ્યક્તિ
સતત દાહ દીધો શવ્દોનો
છેલ્લે બચશે શું
બાળવાને??

Page 1 of 212