Category Archives: અપ્રકાશિત કાવ્યો

એને

એને ખબર હોય છે
માળિયાના ક્યા ખૂણામાં
શું પડ્યું છે,
કઇ દિવાલ પર
ભેજ ઉતરે છે,
ફ્રીજના ક્યા ખાનામાં
બટર છે,
ને,
રસોડાની કઇ દિવાલ પર
વંદાના ઇંડા છે.
પણ,
કોઇને’ય ખબર નથી હોતી
કે એના મનના ક્યા ખૂણામાં
શું ધરબાયું છે,
કઇ વાતે
એની આંખોમાં ભેજ ઉતરે છે,
સંતાનો બટર મારે
તો સ્મિત કરે છે,
અને પેલા
વંદાના ઇંડામાંથી
બચ્ચા જન્મે છે!

દાળ

સવારે દાળમાં
બ્લેન્ડર ફરતું’તું;
ગો..ળ… ગો..ળ..
આપણે ફેરા ફર્યા’તાં ને એમ જ!
દાળ ઓગળી ગઇ,
આપણે એકબીજામાં ઓગળ્યા’તાં ને એમ જ!
ધીમે..ધીમે…
દાળ ઉકળવા માંડી,
થોડી ઉભરાઇ,
ને સ-રસ જીંદગી જેવી
સ્વાદિષ્ટ બની ગઇ!