દિકરા જૈત્ર,
તારી સ્કુલ, મારી નોકરી અને ઘર આ બધામાં શબ્દો સાથેની આંગળી વચ્ચે-વચ્ચે છૂટે છે. ને તું જ્યારે જ્યારે મારી આંગળી પકડે છે ત્યારે-ત્યારે શબ્દોની આંગળી આપોઆપ પકડાઇ જાય છે.
હું કદાચ ચાઇલ્ડ સાયકોલોજી પર Ph.D. કરુ તો’ય મને લાગે છે કે બાળકના મનનો તાગ મેળવવો અઘરો છે.
ક્યારેક તને માર્યા પછી હું રડુ છું ત્યારે તું જ મારા આંસુ લુછ્વા આવે છે. ને મને કહે છે “મમ્મી રડીશ નહિ હું છું ને!” ક્યારેક લાગે છે કે તું મારો દિકરો છે કે બાપ.કદાચ તારી સાથે જોડાયા છે મારા જીવવાના હજાર કારણો ને ઍટલે જ ઝઝૂમી શકુ છુ કોઇ પણ તકલીફોની સામે.
તું જ્યારે પણ એમ્બ્યુલન્સ જુએ ત્યારે પુછે છે કે આમાં કોણ હોય અને એને ક્યાં લઇ જાય? મેં તને સમજાવ્યું કે એમાં બીમાર માણસ હોય અને જ્યારે તું એમ્બ્યુલન્સ જુએ ત્યારે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની કે એમ્બ્યુલન્સમાં જે પણ હોય તેને સાજા કરી દેજો. બસ, હવે તું જ્યારે પણ એમ્બ્યુલન્સની સાયરન સાંભળે છે ત્યારે બે હાથ જોડીને,આંખો બંધ કરીને “ભગવાન આમાં જે હોય તેને સાજા કરી દેજો” એવી પ્રાર્થના કરે છે. કદાચ તારી નિસ્વાર્થ પ્રાર્થના કોઇનુ જીવન બક્ષી દે! હવે ક્યારેક મને કંઇ થાય તો તું મને આરામ કરવા દે છે ને જાતે જાતે અમે છે. ઘરમંદિર પાસે જઇને ભગવાનને કહે છે “શંકર મારી મમ્મીને જલ્દી સારુ કરી દેજો”.
ગઇ કાલની જ એક વાત. નવરાત્રીના માહોલમાં આપણે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. બધા જ ચણીયા-ચોલી ને ઝભ્ભામાં સજી ધજીને જમવા આવેલા. રેસ્ટોરન્ટના દરેક કર્મચારીઓ વ્યવસથામાં હતા કે આવનારને બરાબર સર્વિસ મળે. આપણા જ ટેબલની પાસે ઉભેલા વિઇટરને જોઇને તે મને બહુ અઘરો પ્રર્શ્ન કર્યો “મમ્મી આ લોકોને નવરાત્રિ ના હોય?” તારા માટે આ પ્રર્શ્ન બહુ સાહજીક કુતૂહલવશ હતો પણ મારા માટે ખૂબ જ વેધક!
આપણે વારે તહેવારે રેસ્ટોરન્ટમાં જઇએ છીએ અને જલ્દી સર્વિસ મળે એવો આગ્રહ રાખીએ છીએ.પણ એમને પણ તહેવારને લીધે વધારે લોકોને સાચવવામાં વાર લાગતી હશે તેવો વિચાર આવતો નથી. પોતાના પરિવારને છોડીને બીજાના પરિવારને પીરસે છે તેવુ યાદ સુધ્ધા આવતુ નથી. કદાચ સસ્મિત આભાર પણ વ્યક્ત કરવામાં આપણે કાચા પડીએ છીએ.
મોટા થવું એટલે ખરેખર શું? દરેક વસ્તુને સ્વીકારી લેવી તે? કે પછી દરેક વ્યક્તિ કે વસ્તુ વિશે વિચાર કરવો તે?
તને બહુ જ વ્હાલ કરતી ,
તારી મમ્મી
Be First to Comment