Skip to content

સંતોક

માથે ભાતુ, ભરત ભરેલું કેડિયું, આભલાં ભરેલી ચૂંદડી, ઘૂઘરી વાળો ઘાઘરો, પગમાં ઝાંઝર, હાથમાં મોરલાની ભાતના ચાંદીનાં કડા, ગળામાં ચાંદીનો કડલો, કપાળમાં લાલ ચટ્ટાક ચાંદલો ને સેંથીમાં માય નહિ એટલું કંકુ. ખેતરે કામ કરતો રમેશ સંતોકની રાહ જ જોતો હોય. રમેશને રાહ જોતો જુવે તો ક્યારેક સાથે આવેલી સાસુ બે’ઉના ઓવારણાં લે! આમ તો સંતોક પાસે ઝાઝું ક્યાં કંઈ હતું, એક રામ જેવો રમેશ, એક સાસુ, પચ્ચીસ વીઘા જમીન ને એક ઘર. દિવસ ઘરના કામમાં ને રાત રમેશના સાથમાં ક્યાં જતાં ખબર ન પડતી!

ગામ નાનું ને ગણાય એટલાં જ ઘર. ગામમાં કોઈ નવું આવે તો આખા ગામને ખબર પડે. પણ, શહેરમાં ભણીને આવેલા દેવજી માટે ગામમાં ઘણું નવું હતું. ગામ હોય ત્યાં ઉકરડો તો રહેવાનો જ! આ દેવજી એટલે જીવતો જાગતો ઉકરડો. શહેરમાં ગયો તો ભણવા, પણ શહેરની આઝાદ હવા ભરીને ગામમાં પાછો આવ્યો’તો. જીન્સનું અડધી કમર સુધીનું પેન્ટ, ચેક્સનું શર્ટ, શર્ટના પહેલા બે બટન ડેલીના દરવાજાની જેમ ખુલ્લા, ગળામાં જાડી ચેન, મોઢામાં માવો અને માવાથી પીળા પડેલા દાંત. ગામના ગલ્લે બેસી રહેવાનું ને આવતા જતા બધાની ખબર રાખવાનું. જે ગમે એની સામે દાંત કાઢી હસવાનું ને ના ગમે તો બાજુમાં થૂંકી નાંખવાનું.

“હાલ, ખેતર તો બહુ મોટું છે. કીયા ખૂણામાં હું ને તું બેઠા છીએ તે તારા ભોળા રમેશને ખબરે નહિ પડે.”, એક દિવસ ખેતરના રસ્તે સંતોકને આંતરતાં દેવજી બોલ્યો.

“હાલતીનો થા. તારે કોઈ નથ. મારે તો મારો રમેશ ભલો ને મારું ઘર.”

“એ તો છે, ને રેશે. મેં ક્યા ઘર ભાંગવાનું કીધુ. આ તો…બપોરે જરા…”

સ..ટ્ટા..ક…કરતો સંતોકનો હાથ દેવજીના ગાલ પર સંતોકની અને એના આંગળાની છાપ છોડતો ગયો.

ગભરાયેલી સંતોકને જોઈ રમેશે પુછ્યું’ય ખરું, “સું થય્યું?”

“આવતાં એરુ જોઈ ગઈ તે બી ગઈ.”, સંતોક મોંઘમ બોલી.

“લે, ખેતરના એરુ ને’ય તું ગમી ગઈ.”, ભોળું હસતાં રમેશ બોલ્યો.

પણ સંતોક હસી ના શકી.

સુખ ક્યાં કોઈનું અખંડ રહ્યું છે કે સંતોકનું રહે!

બે દિવસ પછી રમેશની લાશ ખેતરના કૂવામાં તરતી દેખાઈ.

“ર…મે…શ…”, કરીને સંતોકે પોક મૂકી.

આઘાતથી સંતોકની સાસુ પડી ગઈ ને ખાટલો પકડી બેઠી.

તેર’દિના શોક પછી ચૌદમે’દિથી સંતોક ખેતરે પહોંચી. હવે તો ખેતરને એણે ઊભું રાખવાનું હતું. એને ખેતરની માટીમાં રમેશ અનુભવાતો…કામ કરતો, સામે બેસી ભાતુ ખાતો, ફાળિયાથી પરસેવો લૂછતો. ક્યારેક ધ્રુસકે ચડતી, પણ રમેશે જતનથી ખેડેલું ખેતર આંસુને શોષી લેતા!

“ક્યાં ગઈ? એક રોટલો કરતાં આટલી વાર.”, ખાટલે પડેલી સાસુ અકળાઈને બોલી.

“અટાણે રોટલો ખાઈશ તે બપ્પોરે મારો જીવ ખાઈશ? દૂધની રાબ બનાવું સુ, ખાઈ લે. નહિંતર ખાટલેથી ઊભી નંઈ થઈ હકે.”

“દાક્તરને તો કહેવાનું. ખેતરે કામ કરવા કોણ આવશે, એનો બાપ? એમ ભગવાન ભરોહે ખેતર રાખીશ તો આખ્ખું વરહ ખાશું શું, શકોરાં?”

“હવે ખાઈ લે, બધ્ધુ થઈ જાહે ચંત્યા ન કર.”, સંતોક પાલવથી આંખ લુછતા બોલી.

“ખેતર નાનું નથ, ને તું એકલી. કેમની પૂગી વળીશ? આ રાઘાબાપાનો દેવજી કે દિ’નો આંટા મારે છ. તું કે તો વાત મુકુ રાઘાબાપાને. પછી તું ને દેવજી ખેડજો આખ્ખું ખેતર.”, સાસુ ગળગળી થઈને બોલી.

વાત સાંભળતાં જ સંતોકના મનમાં એક ઝબકારો થયો. સાસુની અનુભવી આંખથી એ અજાણ્યું ના રહ્યું.

“થાહે, ઉપરવાળો…”, સંતોકને બોલતાં બોલતાં એક મોટો ઉબકો આવ્યો.

“હવે કોઈની જરુર નથ.”, સંતોકે આંસુભરી આંખે સાસુ સામે જોઈ પેટ પર હાથ ફેરવ્યો. ને બન્ને એકબીજાને ભેટી પડ્યા.

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

4 Comments

  1. Madhav Madhav

    Good Story

  2. Mansi Mansi

    Very nice👌👏

  3. Tejal Thakkar Tejal Thakkar

    ખુબ સરસ

  4. khubaj sundar che./ vaanchata vaanchata khivai javaay tevi rachana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!