“સંધ્યાકાળે આવી જજો. તમારું કામ થઈ જશે.”, સવારે ગુરુજીએ આટલું કહીને ફોન મૂકી દીધો હતો. બસ ત્યારથી ગભરામણ થતી હતી. અનાયાસે ઊપર જોઈને હાથ જોડાઈ જતા હતાં. હવે જે પ્રશ્નનો જવાબ છેલ્લા દસ વર્ષથી શોધતો હતો તે મળી જશે એવી આશા બંધાઈ હતી.
********************************************************************************************
“હવે સારા સમાચાર ક્યારે આપો છો?”, લગ્નને દોઢ વર્ષ માંડ થયેલું ને ઘરનાએ પુછવાનું શરુ કરી દીધેલું. ત્યારે પ્રશ્ન ગમતો. ધીમે-ધીમે સમય પણ વધવા લાગ્યો ને પ્રર્શ્નો પણ. આ પ્રશ્નનો જવાબ એને પોતાને મળતો નહોતો. દસ વર્ષમાં પાંચ ડૉક્ટર અને પત્નીના પાંચસો રિપોર્ટ કરાવી લીધા હતાં. બધા રિપોર્ટ નોર્મલ હતાં. પણ પરિણામ શૂન્ય! ઘરનાં બધા પણ જાત-જાતની બાધા આખડીઓ રાખતાં. પતિ-પત્ની બન્ને પણ માનસિક તાણમાં જીવતાં હતાં. સૌથી વધારે તો એ તકલીફ હતી કે નાનાભાઈના લગ્ન થયાં ને વર્ષમાં તો બાળક ઘરમાં કિલકારી કરવા લાગેલું. ત્યારે જાણે-અજાણ્યે એ હાંસિયામાં ધકેલાઈ ગયેલો. હવે એ બાળક માટે સાવ જીવ પર આવી ગયેલો.
“શું કરું કંઈ સમજાતું નથી.”, એક જૂના મિત્ર આગળ પોતાની વાત મૂકી હતી.
“એક રસ્તો છે. પણ તું એમાં માનીશ કે નહિ મને ખબર નથી.”
“તું બસ રસ્તો બતાવ. પછી હું ફોડી લઈશ.”
“હું એક ગુરુજીને ઓળખુ છું. એક વાર તું એમને મળવા આવ. એ કંઈક રસ્તો કરશે.”
“તું કહે ત્યારે આવુ મળવા.”
“બસ, તો આજે સાંજે જ જઈ આવીએ. હું સાંજે તને લેવા આવી જઈશ.”
શહેરથી દૂર આવેલા એક ગામમાં ગુરુજીનું ઘર હતું. આમ તો ઘર જેવું જ ઘર અને સાવ સામાન્ય માણસ જેવા ગુરુજી. સફેદ દાઢી, મોટી આંખો અને કસાયેલું શરીર. ગુરુની આંખોમાં દેખાવી જોઈએ એવી કરુણાનો સાવ અભાવ હતો. પણ એને લાગ્યું કે કદાચ બાહ્ય દેખાવ પરથી એમ આંકી લેવું ખોટું હોઈ શકે.
“આવો.”, ઘરના ભોંયરા તરફ આગળ વધતાં પહાડી સ્વરે ગુરુજી કહ્યું.
ઘરનું ભોંયરું એમનું સાધના સ્થળ હતું. ઓરડાની વચ્ચે એક હવનકુંડ હતો અને આસપાસ હવન સામગ્રી. આખા ઓરડામાંથી એક વિચિત્ર પ્રકારની ગંધ આવતી હતી. દિવાલ પાસે માતાજીનો મોટો ફોટો લગાવેલો હતો. માતાજી સામે હાથ જોડી ગુરુજી આસન પર ગોઠવાયા. આંખો બંધ કરી જાણે કોયડાનો ઊકેલ શોધતાં હોય એમ આંગળીના વેઢા ગણવા લાગ્યા.
“દસ દિવસ. બસ પછી તારું કામ થઈ જશે. મારે થોડી વિધિ કરવી પડશે. વિધિ માટેના સામાનની વ્યવસ્થા હું કરી દઈશ. તારે મને પાંચ લાખ રુપિયા આપવા પડશે.”, ગંભીર મુખમુદ્રા સાથે જવાબ આપ્યો.
લીટા ભેગો લસરકો એમ વિચારીને ખાલી માથું હલાવ્યું.
********************************************************************************************
આજે ભોંયરાનું વાતાવરણ સાવ જુદું હતું. હવનની સુંગંધ આવી રહી હતી. મોટેથી મંત્ર જાપ ચાલી રહ્યાં હતાં. હવનકુંડની બાજુમાં એક લાલ કપડું પાથર્યું હતું. તેની પર ફૂલ અને કંકુ ચોખા ચડાવેલા હતાં. ગુરુજીએ આંખના ઇશારે આસન પર બેસવા કહ્યું ને એ ગોઠવાયો. ખૂણામાં એક માણસ ગુરુજીના ઈશારાને સમજીને હવન માટે જરુરી કામ કરતો હતો.
“ફટ સ્વા….હા…”, હવકુંડમાં મોટો ભડકો થયો.
ખૂણામાં ઊભેલા માણસે બાજુમાં પડેલા કોથળાનું મોઢું ખોલ્યું. ધૂમાડાને લીધે ખાસ કંઈ દેખાયું નહિ. પણ કોથળામાંથી કોઈ વસ્તુ લઈ કંકુ ચોખા ચડાવેલાં લાલ કપડાં પર મૂકવામાં આવી.
“ઊભા થાઓ. અહીં આવો. આ તલવાર પકડો.”, કંકુના ચાંદલા કરેલી તલવાર હાથમાં પકડાવતાં ગુરુજી બોલ્યા.
લાલ કપડાં પર એક બેભાન બાળક સૂતું હતું.
“માતાજીનું નામ લઈ તલવારનો ઘા કરો.”
ધૂમાડો ઘટ્યો અને બાળકનો ચહેરો સ્પષ્ટ થયો. હવામાં ઊંચકાયેલી તલવાર પડી ગઈ.
“નાનકા..નાનકા..” બોલતો એ બાળક લઈ ઘર તરફ દોડયો.
Nice story with a startling end….👌👌
Saras Varta che