Skip to content

‘બેંતાળા’ ના પ્રવેશ વેળાએ

બેંતાલીસ પહેલાં જ બેંતાળા આવી ગયા છે. હવે દુનિયાને જોવાની દ્ર્ષ્ટિ બદલાઈ ગઈ છે. ‘પ્રોગ્રેસીવ’ ગ્લાસમાંથી હું દુનિયાને જોવા મારા ચશ્મા અને દ્ર્ષ્ટિને ઍજેસ્ટ કરી લઉ છું. જોકે ‘પ્રોગ્રેસીવ’ ચશ્મામાંથી કોઈ પ્રોગ્રેસ દેખાતો નથી એ વાત જુદી છે. 🙂

સતત ઊગતી સવાર અને એમ જ પડી જતી સાંજની ઘટમાળ ઘણી જ ‘બોરિંગ’ લાગવા લાગી છે. એ સવાર અને સાંજની વચ્ચે જાણે નવુ કશું જ બનતું નથી. મારા હોવાની ઘટના માટે હવે મને જ કોઈ ઍક્સાઈટમેન્ટ નથી. મેટ્રો ટ્રેનની જેમ પસાર થઈ જતું વર્ષ કશું આપી શકતું નથી. જીવનમાં શું જોઈએ છે એ ખબર જ નથી અને કદાચ એટલે જ આગળ વધવાનો રસ્તો મળતો નથી.

‘રસ્તો શોધો’ જેવી રમત નાનપણમાં બહુ રમ્યા પછી પણ અત્યારે જીવનમાં રસ્તો શોધવામાં મુશ્કેલી પડી રહી છે! આમ તો વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વાર નવા વર્ષના ‘રીઝોલ્યુશન્સ’ લઈએ છીએ – ભારતીય નવા વર્ષે, જન્મદિવસે અને અંગ્રેજી નવા વર્ષે. પણ એમાંથી ૫૦ ટકા ‘રીઝોલ્યુશન્સ’ પણ પુરા થતા નથી. પોતાની જાત માટે જ લીધેલી પ્રતિજ્ઞાઓ પર અમલ થતો નથી અને નવું વર્ષ આવીને ઊભું રહે છે.

ખૂટી રહેલી ક્ષણોનો વસવસો નથી થતો…કદાચ એ સૌથી ચેતવણી રુપ છે. ‘હશે, જિંદગી છે ચાલ્યા કરે’ એવો અભિગમ જિંદગીને ચાલતો નથી! જૈત્રની પાણીદાર આંખોમાં હું સપનું જોઊ છું ત્યારે ગૌરવ થાય છે કે એની પાસે સપનું છે. કંઈક બનવાનું, કંઈક મેળવવાનું. જૈત્ર પુછે છે, “તારા બકેટ લીસ્ટમાં છે એમાં આટલો જ સમય રહ્યો, ક્યારે એ કરીશ?”. પણ એનો જવાબ મારી પાસે નથી. સતત ચાલતાં મન અને હ્રદયના દ્વંદ યુધ્ધમાં હું હારી જાઉ છું. એક જન્મદિવસ આવે છે ને એક વર્ષ ઓછું થતું જાય છે પણ નવુ કશું ઉમેરાતું નથી.

એ કયું બળ છે કે મને સતત ઊઠાડે છે? એવું કયું તત્ત્વ છે જે મને જીવતું રાખે છે? આ પ્રશ્નોના જવાબ હજી શોધવાના છે. હજી બારણે આવતી ચક્લી જોઉં તો ઉત્સાહીત થઈ જાઉ છું, આકાશના તારાઓ જોઈને અચરજ થાય છે. ખળ-ખળ વહેતું ઝરણું અને ડોલતાં વૃક્ષો સતત મારા મનને લોભાવે છે. છોડમાં ઊગતી નવી કૂંપળ કે સૂર્યાસ્ત જોવાથી મળતી શાંતિ હજી મારામાં અકબંધ છે. કદાચ એ જ સાબિતિ છે કે હું જીવુ છું.

જીવતા રહેવું એટલે માત્ર શ્વાસ લેતા રહેવું એમ નહીં, જીવતા રહેવું એટલે જીવંત રહેવું! આપણી આસપાસના વાતાવરણને જીવતું રાખવું એમ. હવે મારે જ નક્કી કરવાનું છે કે મારે જીવતા રહેવું છે કે જીવંત.

આ બધાની વચ્ચે એક વાત ચોક્ક્સ છે કે આપણને આપણી જિંદગી ગમે તેવી લાગે, પણ દુનિયાના કોઈ ખૂણામાં કોઈ માટે આપણે આખે આખી જિંદગી હોઈએ છીએ. દૂર રહેતું કોઈ આપણને એની પ્રાર્થનામાં રાખે છે. ઈચ્છે છે કે આપણે હોઈએ…થોડા લાંબા સમય સુધી આ પૃથ્વી નામના ગ્રહ પર!

ઉંમરની અસર હશે કે આટલી બધી ફિલસૂફી અત્યારે જ જન્મી રહી છે? Mid life crisis you know….

Published inવિચાર

6 Comments

 1. અતિત અતિત

  જન્મદિવસ ની શુભેચ્છાઓ… સાચી વાત છે, ક્યારેક લાગે છે કે જિંદગી વગર દિશા એ આગળ વધી રહી છે, ને ક્યારેક લાગે છે કે હજુ કેટલીય વાતો એટલી જ રોમાંચક છે… વહેલી સવાર, ઢળતી સાંજ કે તારા ભરેલી રાત…

  ભગવાન સારું સ્વાસ્થ આપે અને આમજ લખવાનું continue રહે એવી શુભેચ્છા…

 2. Dipali Dipali

  Same pinch . Somebody on the other side of the planet is sharing the same feeling and anxiety with no reason. It happens. Recently got some friend and inspired me that do 11 om kar chanting at night things will get better automatically.

 3. રાજુ ઉત્સવ રાજુ ઉત્સવ

  જિંદગીમાં એક વખત એવો આવે છે જયારે સમજાય છે કે આપણે ધારીએ એવું નથી થતું, બસ એ થાય છે અને એટલે જ મેં તો ઘણોખરો સ્વીકાર ભાવ અપનાવી લીધો છે ,હવે પીડા નથી,આનંદ નથી બસ છે માત્ર હોવાપણું.કિનારે ઉભીને જોવાની મોજ કરું છું.
  આપને આજના દિવસે અઢળક શુભેચ્છાઓ

 4. Niva Joshi Niva Joshi

  Khoob shubhechha o janmdivas ni Ane betala drashtikon n ghyan mate pan.💐👍

 5. Sonal Sonal

  Khub saras.sachi vat che .40 pachi rutin j lage che jivan

 6. Mayurika Leuva-Banker Mayurika Leuva-Banker

  જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ 💐
  તમે વ્યક્ત થઈ શકો છો!
  પોતાના માટે આટલું વિચારમંથન કરી શકો છો!!
  પોતાની જાતનો સંગાથ માણી શકો છો!!!
  એનાથી વધુ શું જોઈએ? આવો તબક્કો થોડાથોડા સમયે આવતો રહે છે. એ આવશે અને જશે. કશુંક ઉમેરીને, કશુંક પરત લઈને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!