Skip to content

વેકેશન- પત્ર – ૨

પત્ર શ્રેણીનો બીજો પત્ર.

અતિપ્રિય વેકેશન,

છેલ્લા પેપરના દિવસે સીધુ શાળાએથી જ બસમાં કે ટ્રેનમાં મામાને ઘરે જવાની તૈયારી થઈ જાય, એટલે તું સમજ કે તું કેટલું વ્હાલું હોઈશ! ન ભણવાનું, ન રોકટોક ને બસ આખ્ખો દિવસ રમવાનું. કેવી મઝા!

ઉનાળો આવે ત્યારે તું આવે એવું કહેવાની જ્ગ્યાએ તું આવે એટલે સમજો ઉનાળો આવે એમ લાગે. મામાનું ઘર બેન ભાણેજાથી ગાજતું થઈ જાય. ક્યાં ફરવા જઈશું ને શું જમવાનું બનાવશું એનું લીસ્ટ તૈયાર થઈ જાય. ઘરની દરેક વસ્તુઓમાં ગુણાકાર થતો જાય એટલે સમજો કે તું આવ્યુ. વાહ! ભારે વટ્ટ તારો તો!

આમ તો તું બધાય માટે એક સરખું જ ને તો’ય મઝા જ મઝા. ધાબા પર ઠંડી પથારીમાં સુવાની, સુતા-સુતા આકાશનું અવલોકન કરવાની, બે વાર એક્ટ્રા રંગ નંખાવીને ચૂસી-ચૂસીને બરફનો ગોળો ખાવાની, શેરડીનો રસ પીવાની કે પછી જાત મહેનતથી કોઠીનો બનાવેલો આઈસ્ક્રીમ ખાવાની. ટોપલા ભરીને કેરીઓ હોય, ધરાઈને રોક-ટોક વગર કેરી ખાવા મળતી હોય ને તો’ય ચોરી છૂપીથી કેરી ખાધી હોય એવી કેરીનો સ્વાદ હજી જીભ પર ને જીવનમાં અકબંધ છે. એ બધુ તને જ આભારી છે! ટોપલામાંથી પાણીના ટબમાં ને ત્યાથી રસ બનીને થાળીમાં આવે એટલી બધી રાહ કોણ જુએ યાર. ખજાનો હાથ લાગ્યો હોય અને ચોર ખાલી હાથે પાછો જાય ખરો?

સતોડીયુ, ઈંડુ, છૂટી સાંકળ, લખોટી, આઈસ-પાઈસ, માલદડી, ઊભી-ખો, દોડ-પકડ, અમદાવાદની બાજી, કેરમ, નવો વ્યાપાર, પત્ત્તા જેવી રમતો રમવાની, અંચઈ કરવાની જે મઝા તેં અમને આપી છે એની તોલે તો ટેસલા’ય ના આવે હોં! વળી, આઈસ-પાઈસ રમતાં છોકરા શર્ટ બદલીને માટલી ચીરાણી કરે ત્યારે જે ચિચિયારીઓ પાડવાની મઝા છે એ મઝા માણે એ જ જાણે. ઢગલા બાજીનો ઢગલો મોટો થતો જાય એમ-એમ આ ઢગલો કોને મળશે એનો વિચાર પણ મોટો થતો જાય. ગધ્ધાચોરમાં ગધ્ધો કોનામાં છે એની વાતો તો ઈશારામાં થાય. ‘બપોરે સૂઈ જશો તો રાત્રે આઈસ્ક્રીમ મળશે’ એવી લાંચ આપતા ઘરના બધા સૂઈ જાય ને છોકરા બધા રમતા હોય. સુપર મારિયો તો અમારો હોટ ફેવરિટ હતો. એ દિવાલ કૂદે સાથે સાથે અમે રમનારા પણ બેઠા-બેઠા કૂદી લઈએ. જાણે સાચ્ચે જ અમારે દિવાલ કૂદવાની હોય. આ બધી રમતોનો તો તું સાક્ષી છે.

અતિશય ગરમીમાં ખસની ટટ્ટી ને ખસનું શરબત હીટ હતા. તને તો ખબર જ છે ને કે ઠંડકમાં રહેવા કરતાં રમવા મળવુ એ મોટી લક્ઝરી હતી. ‘લૂ લાગશે, છોકરા ઘરમાં રમો’ એવી બૂમો ક્યાં કોઈ ગણકારતું હતું. વેકેશન પડશે એવું કહેતાં-કહેતાં મામાના, માસીના, કાકાના ને ફોઈના ઘરે રહીએ ત્યાં તો તું આખેઆખું ખતમ! તેં અમને આપી છે એ યાદો કેરી જેવી જ ખાટી-મીઠી છે. આ તારી યાદો ક્યારેક ગોરસઆમલીની જેમ ડચૂરો બાઝે છે તો ક્યારેક શેતૂરની જેમ મીઠી લાગે છે.

હેં, ફરી આવું વેકેશન ક્યારે પડશે?

Published in-પત્રો

3 Comments

 1. Atit Thaker Atit Thaker

  સુંદર, સાદગીપૂર્ણ લખાણ… વાંચવા ની મજા આવી ને વેકેશન ની યાદો તાજી થઈ ગઈ….

  હવે મામા, ફોઈ, કાકા ને માસી બની ને યજમાન બનવાનો સમય આવી ગયો… મજા એમાં પણ એટલી જ છે…

 2. Niva Joshi Niva Joshi

  Kharekhar vacation badalava lagyu chhe.raja ej pan have mahemanonkya khas ave chhe .juni yado taji Thai gai.

 3. Tejal Thakkar Tejal Thakkar

  ખુબ સરસ… વખાણ કરતા શબ્દ ખુટે એવુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!