Skip to content

રાખ

પપ્પાના ઘરે કામ માટે આવતા બહેને સમાચાર આપ્યાં, ‘શિખાબેન બાપુજી બહુ બીમાર છે. તમે આવો તો સારું.”

“પણ મેં તો કાલે જ વાત કરી છે. ત્યારે તો બરાબર હતાં.”

“ના બેન. એમની તબિયત બે-ચાર દિવસથી ખરાબ છે. પણ તમને ચિંતા થાય એટલે કંઈ કહેતા નથી. મને પણ જાણ કરવાની ના પાડી’તી. પણ આજે તબિયત વધારે નરમ છે એટલે તમને ફોન કર્યો.”

“વાંધો નહિ, હું આજે સાંજ સુધીમાં જ પહોંચી જઈશ. બસ ત્યાં સુધી તું એમની સાથે જ રહેજે.”

શિખાએ બપોરની ટિકિટ બુક કરાવીને બેગ તૈયાર કરી. સમીપની સાથે વાત પણ કરી લીધી.

ઘરે પહોંચતાં જ સૌથી પહેલાં પપ્પા સાથે ‘કેમ મને કંઈ કહ્યું નહિ’ની વાત પર ઝગડી લીધું ને પછી ભેટીને રડી પણ લીધું.

મમ્મીના મૃત્યુને સારો એવો સમય થઈ ગયેલો. ત્યારથી પપ્પા એકલા જ રહેતા. શિખા અને સમીપે ઘણી વાર સાથે આવીને રહેવા સમજાવેલું. પણ અહીં એમની પાસે ભણવા આવતાં બાળકો એમના વગર ક્યાં જાય એ વિચારે જવાનુ માંડી વાળતા. મૂળ શિક્ષકનો જીવ એટલે રિટાયર્ડ થયા પછી આસપાસના બાળકોને નવું-નવું શીખવતા. ક્યારેક નાપાસ થયેલા વિદ્યાર્થીને હિંમત આપતાં. બાળકો પણ એમની પાસે આવીને વાર્તા સાંભળતા તો ક્યારેક વળી એમની મમ્મીએ કંઈક સરસ જમવાનું બનાવ્યું હોય તો વહેંચવા આવી જતાં. એમ એમના દિવસો ખૂશીમાં જતાં.

બે-ચાર દિવસની બીમારીમાં તો પપ્પા વધારે દુર્બળ અને ઘરડાં લાગતા હતા કે પછી પપ્પા પાસે ફુરસદથી બેસવાનો સમય જ નહોતો મળ્યો. પોતે બીમાર પડતી તો પપ્પા પલંગ પાસે જ બેસી રહેતાં. માથા પર ધીમે-ધીમે હાથ ફેરવતાં. માથું કે પગ પણ દબાવી આપતાં. દસમાની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવેલાં ત્યારે ગુસ્સો નહોતો કર્યો પણ સમજાવેલું, “તને ખબર છે શિખા, ફિનિક્ષ પક્ષી રાખમાંથી પણ બેઠું થાય છે. કરોળિયો કેટલીયે વાર પડે ને કેટલીયે વાર જાળું બનાવે. એટલે ક્યારેય પરિણામથી ગભરાવું નહિ. નાસીપાસ નહિ થવાનું. બસ પ્રયત્નો કરતા રહેવાનું.”

આજે શિખા પપ્પાના પગ પાસે બેઠી. ધારી-ધારીને પપ્પાને જોવા લાગી. ફેફસામાં જમા થઈ ગયેલા કફને કારણે જોરથી શ્વાસ લેવો પડતો હતો અને ધીમો અવાજ પણ આવતો હતો. પગની પાનીઓ પર ચીરા પડી ગયેલાં ને તળીયા સાવ બરછટ થઈ ગયેલાં. શરીર પર પડેલી કરચલીઓ ઉંમર અને અનુભવ બન્નેની સાબિતી હતી. ચહેરા પર સંતોષની લિપી લીંપાયેલી હતી. અનાયાસે એક આંસુ પપ્પાના પગ પર પડ્યું, એ જાગી ગયા. શિખાની આંખમાં આંસુ જોઈ બોલ્યા પણ ખરાં, “થાય આવું નાનુ મોટું. ચિંતા નહીં કરવાની. બે દિવસમાં તો સાજો થઈ જઈશ.”

પણ એવું બન્યું નહિ. દિવસે-દિવસે તબીયત વધુ બગડવા લાગી. હરતું ફરતું શરીર પથારીને શરણે થઈ ગયું. શિખા પાસે બેસીને જુની વાતો યાદ કરાવતી. સાથે મળીને હસતાં ને બન્નેની આંખો આ હાસ્યથી છલકાઈ જતી. શિખાએ દાળની વાડકી મોં પાસે ધરી. તૂટક તૂટક બોલ્યાં પણ ખરાં, “તારી મમ્મી તને આમ જ દાળ પીવડાવતી હતી.” હવે બન્નેને લાગતું હતું કે વાટકીની ગળેલી દાળની જેમ સમય પણ ગળી રહ્યો છે. ને એક સવારે ગળી રહેલો સમય સ્થિર થઈ ગયો!

અસ્થિ ભેગા કરતાં શિખાને લાગ્યું કે પપ્પા પણ ફિનિક્ષ પક્ષીની જેમ રાખમાંથી બેઠ થઈ શકતાં હોત તો!

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

3 Comments

  1. Tejal Thakkar Tejal Thakkar

    Very touchy 👌🏻👌🏻
    ખુબ જ સરસ… હ્રદય સ્પર્શી ❤️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!