Skip to content

નૈરોબીની સફર – ૧

ફરવા જવા માટે આમ તો ઘણા વિકલ્પો છે. નદી કિનારા, દરિયા કિનારા, નાઈટ લાઈફ હોય એવી જગ્યા, પર્વતો કે પછી જંગલો. દરેક જગ્યાની પોતપોતાની મજા છે. બસ તમને એમાં એકરુપ થતાં આવડે તો!

નજીકના ભૂતકાળમાં હું નૈરોબી જઈ આવી. માત્ર ફરવા માટે નહીં પણ ત્યાં રહેવા માટે પણ ખરું જ. મારા દિયર અને દેરાણી ત્યાં રહે છે એટલે ત્યાં જવાનો અને રહેવાનો બમણો લાહ્વો મળ્યો. જવાનું નક્કી થયું ત્યારથી હું ખુબ જ ખુશ અને ઉત્સુક હતી. નવી જગ્યા, નવા માણસો, નવી સંસ્કૃતિ, નવા હવા-પાણી. એને માણવાની ને જાણવાની ઉત્સુકતા ઘણી જ હતી. મારી અને મારા દિકરાની પહેલી આંતરરાષ્ટ્રીય ઊડાન અમદાવાદના હવાઈ મથકથી થઈ. જવાની ઉત્સુકતાના કારણે મને તો આખી રાત ઊંઘ જ ન આવી. ઃ) સામાનની ચકાસણી, વજન અને જરુરી પ્રક્રિયા પતાવ્યા પછી વિમાનની રાહ જોતા હવાઈ મથક પર બેઠા. પાંચ વાગે વિમાન ઉડ્યું ત્યારે ભારતની ભૂમિ પ્રથમ વાર નજરથી દૂર સરતા જોઈ. સિટબેલ્ટ બાંધીને પહેલું કામ સેલ્ફી લેવાનું કર્યું. (મેન્ડેટરી ટાસ્ક યુ નો!)

શાર્જાહના હવાઈ મથક પર ઉતર્યા ત્યારે ૪૨ ડિગ્રી તાપમાન હતું. લાગે કે કોઈએ ભઠ્ઠામાં ધકેલી દીધા હોય. બે કલાકના વિરામ બાદ ફરી વિમાની યાત્રા શરુ થઈ. ખાતા-પીતા (સાથે ગુજરાતીની ઓળખ સમા થેપલાં તો ખરા જ), ઝોકા મારતાં, મસ્તી કરતાં, વાદળોના દરિયાને જોતા-જોતા છ કલાકની મુસાફરી પુરી કરી. વિમાનના પૈડા જેવા આફ્રિકાની ધરતી પર સ્પર્શ્યા ત્યારે આપણે જેમ જાત્રા પૂરી કરીએ ને ભગવાનના નામનો જયઘોષ આપણે કરીએ એવો જ જયઘોષ વિમાનમાં બેઠેલા કેટલાક આફ્રિકન લોકોને તેમના ‘જામ્બો..જામ્બો વાના‘ ગીતથી કર્યો. દેશ ગમે તે હોય પણ દરેક વ્યક્તિની દેશભક્તિ સરખી જ હોય છે! એમની પહેલી છાપ અહીં જ મારા મન પર અંકિત થઈ ગઈ.

નૈરોબી એ કેન્યાનું પાટનગર છે અને કેન્યા એ પૂર્વ આફિકાનો એક દેશ. આફ્રિકા એ થર્ડ વલ્ડ કન્ટરીઝ્માં આવે છે. આફિકાની ગણના અવિક્સિત દેશોમાં થાય છે. પણ છતાં ત્યાંના લોકો નિયમોનું પાલન કરવાવાળા છે. કોઈ પણ રસ્તા પર સિગ્નલ નહીં, ટ્રાફિક પોલિસ નહીં અને છતાં કોઈ હોર્ન વગર ટ્રાફિક વહેતો રહે. નિયમોનું પાલન આપણા જેવા વિકાસશીલ દેશ કરતાં ઘણું સારું છે. ત્યાં મોટેભાગે કાર વપરાય છે. કારની પાછળની નંબર પ્લેટ પીળા રંગની અને આગળની સફેદ રંગની હોય છે. પીળો રંગ રાત્રે પરાવર્તિત થાય છે અને પાછળના વાહનને દેખાય છે જેથી એક્સિડન્ટની શકયાતો ઘટાડી શકાય છે. દ્વી-ચક્રી વાહનોમાં બાઈક વપરાય છે જેને ‘બોડા-બોડા’ કહે છે. જે મોટેભાગે ‘ઉબર’ની જેમ વપરાય છે.

આ સિવાય મોટી વાન જેવી કાર શટલનું કામ કરે છે ને એને મટાટુ કહે છે. આ સિવાય કોઈ સિટીબસ સેવા કે ટ્રેન કે ટ્રામ જેવી વ્યવસ્થા નથી. શહેરમાં બનાવેલા ફ્લાયઓવર પણ પૈસા આપીને જવાના હોય છે. પાર્કિંગ પણ પૈસા વગર થઈ શકતું નથી અને છતાં ક્યાંય પાર્કિંગ અસ્તવ્યસ્ત દેખાતું નથી. અહીંનું નાણુ કેન્યન શિલિંગ છે અને ભારતીય રુપિયા કરતાં નીચુ છે. અહીં વોલેટ બેઝ એપ્લીકેશન્સમાં ‘એમ પેસા’ વપરાય છે જેવી રીતે આપણે ત્યાં ગુગલ પે કે પછી પેટીએમ્.

શિક્ષણનું નીચું સ્તર, ગરીબી અને વિવિધ સમયે બીજા દેશોનું રાજ હજી આ દેશને છોડ્યું નથી. ત્યાંના માણસો મહેનતી છે પણ એટલા શિક્ષિત નથી અને એટલે જ બધા એનો ફાયદો ઊઠાવી રહ્યા છે. ત્યાંના લોકો શારિરિક રીતે ઘણા ચુસ્ત છે. જન્મથી માથા પર વધારે વાળ આવતા નથી. માત્ર નાના-નાના ઘેટાંના ઊન જેવા વાંકડિયા વાળ હોય. જે ન હોય એની ખેવના દરેક માણસને હોય.ને એટલે જ ત્યાં વાળ એક્ટેન્શન માટે મોટા મોટા સલૂન હોય છે. વાંકડિયા વાળની જ મોટી મોટી વિગ લગાવેલી હોય અને મોટાભાગની દરેક સ્ત્રીઓ એ લગાવતી હોય.

શરીરનો રંગ ભલે કાળો છે પણ ચહેરા ઘાટિલા છે. શરીરે ખડતલ અને મજ્બૂત બાંધાના છે. મને પોતાને ત્યાંના લોકો ઘણા મળતાવડા લાગ્યા. સ્મિત એ ત્યાંના લોકો સાથે ભળવાનો પાસવર્ડ છે. પછી એ ઘરનો ચોકીદાર હોય, શાકવાળા હોય, દુકાનદાર કે પછી રસ્તા પર જતો અજાણ્યો જણ. આપણે અજાણ્યાને પણ ‘જય શ્રી કૃષ્ણ’ કહીએ ને પ્રતિસાદ મળે જ એમ અહીં ‘જામ્બો’ એટલે કે કેમ છો? કહો ને તમને ચોક્ક્સ સ્મિત સાથે પ્રતિસાદ મળે.

નૈરોબીમા ભ્રષ્ટાચાર સખત છે કારણ કે શિક્ષણ ઓછુ છે અને રોજગારીની તકો મર્યાદિત. પહેલાના સમયમાં થતી લૂંટને કારણે ત્યાં દરેક ઘરો કે અપાર્ટમેન્ટને મોટા મોટા દરવાજા હોય અને એ હંમેશા બંધ જ હોય. અંદરની તરફ ઊભેલી સીક્યુરિટીની વ્યક્તિ જ્યાં સુધી ખોલે નહીં ત્યાં સુધી કોઈ અંદર પ્રવેશી શકે નહીં. ચારે તરફની ફરતી દિવાલે વીજતાર લગાવેલા હોય કે કોઈ દિવાલ કૂદીને પણ આવી ન શકે.

અપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો હોય અને એ પણ લોક કરેલો હોય. ત્યાં પહોંચીને જે તે ઘરના નંબરની સ્વિચ દબાવો એટલે જે તે ઘરમાં બૅલ વાગે. અને ઊપરથી સ્વિચ પડાય પછી જ એ દરવાજો ખૂલે. ઘરના મુખ્ય દરવાજા પહેલાં પણ જાળી અને એને પણ તાળુ હોય. ઘરમાં જાળીવાળા અર્ધપારદર્શક પડદા અને બીજા જાડા પડદા એમ બે પ્રકારના પડદા હોય જ. જાળીવાળા પડદા હંમેશાં લગાવેલા જ હોય. એ પણ ઘરની સુરક્ષા માટે જ. અહીં જમીન સાથેના ઘરો ને મેઝોન્ન્ટ કહેવામાં આવે છે. કોઈ પણ ઘર પ્રમાણમાં ઘણા જ મોટા હોય છે. ઘરો લગભગ બધી જ ઘરવખરી સાથે જ ભાડે મળે છે.

નૈરોબીના ખોરાકની વાત કરીએ તો ત્યાંના સ્થાનિક લોકોનો ખોરાક સુકુમા ભાજી અને ઉગાલી છે. સુકુમા ભાજી એ પાલક જેવી ભાજી છે અને પચવામાં ઘણી ભારે છે જ્યારે ઉગાલી એ મકાઈના લોટમાંથી બનતી વાનગી છે. આ સિવાય સવારના નાસ્તામાં પાંવ, બાફેલા ઈંડા, બીફ, તાજા ફળો અને ચા છે. બીન્સ અને બ્રેડ્, ભાત અને બીન્સ તથા માંસાહર દરરોજના ભોજનનો ભાગ છે. અનાજપાણી કુદરતી રીતે જ પકવવામાં આવે છે. અને એટલે તેનો સ્વાદ પૂરે પૂરો કુદરતી છે. હજી ત્યાં જંગલો અને વૃક્ષો ટક્યા છે અને એટલે જ હવાપાણી ચોખ્ખા છે.

ઠેર-ઠેર બોઘો ચીપ્સ (શક્કરિયા જેવુ એક શાક), દેશી મકાઈની લારીઓ હોય. લોકો કામ પર જતા અડધો મકાઈ લઈ લે, કે પછી એક ફ્રૂટ બાઉલ. અહીંના લોકોનો દિવસ સવારે વહેલો શરુ થાય અને સાંજે પાંચ વાગે પુરો થઈ જાય. રેસ્ટોરન્ટસ, ગેમ ઝોન, અમુક મેડિકલ સ્ટોર સિવાય બધુ જ પાંચ વાગે બંધ થઈ જાય. શુક્રવારની રાત, શનિવારની રાત પબ, ક્લબ અને કસિનૉ મોડી રાત સુધી ચાલતા હોય. હાઈપિચ પર વાગતા ગીતો, આલ્કૉહોલ અને નાચતા લોકો વાળો માહોલ કંઈક જુદો જ હોય.

અમે જે જગ્યાએ ગયા હતા તે વિસ્તાર પાર્કસલેન્ડ અને વેસ્ટલેન્ડ તરીકે ઓળખાય છે અને ત્યાં મોટાભાગે ભારતીય લોકોની વસ્તી વધારે છે. ભારતીય લોકો, ભારતીય રેસ્ટોરન્ટ, ભારતીય વસ્તુઓના સ્ટોર અને હિન્દુ મંદિરો ઠેર-ઠેર જોવા મળે. વૈષ્નવોની હવેલી, શિવ મંદિર, સનાતન ધર્મનું મંદિર, માતાજીનું મંદિર, હનમાજીનું મંદિર, સાંઈબાબાનુ મંદિર. અને એટલે જ આ બન્ને વિસ્તારો મીની ઈન્ડિયા તરીકે ઓળખાય છે. ઘણી જગ્યાએ તો દુકાનના પાટિયા ગુજરાતીમાં જોવા મળ્યા. લગભગ દરેક ભારતીય વસ્તુઓ ત્યાં ઉપલ્બ્ધ છે પણ
એના ભાવ ઘણા જ ઊંચા છે કારણ કે એ સ્થાનિક વસ્તુઓ નથી અને ભારતથી આયાત કરવામાં આવે છે.

આ ભાગમાં આટલુ જ… આવતા ભાગમાં મસાઈમારાના જંગલ વિશે, જીરાફિ સેન્ટર વિશે.

Published inપ્રવાસ વર્ણન

4 Comments

  1. Manojkumar Manojkumar

    ખૂબ સારી જાણકારી મળી અને વધુ જાણવા ની ઈચ્છા થઈ જે આગળ તમો જણાવવાની છો.તમારો પ્રવાસ ખૂબજ સુંદર અને આનંદ મય રહો.આવીજ સફરો કરતા રહો અને આનંદ કરતા રહો.

  2. Atit Atit

    Interesting to know about a new country… learned something new…

    Looking forward to reading about African Safari and more things abt Kenya…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!