“હેલ્લો.”
“હા, વનિતા. કેમ છે?”
“નેકસ્ટ વિક ઇન્ડિયા આવુ છું. મળીશું. બાકીનો પ્રોગ્રામ આવ્યા પછી જણાવીશ.”
“હા. ચોક્ક્સ.”, સામા છેડે ફોન મુકાઈ ગયો. પણ શિખા ફોન પકડીને હજી ઉભી હતી.
વનિતાને મળ્યે ઘણા વર્ષો થઈ ગયા. કેવી લાગતી હશે વનિતા? ‘વનિતા’ નામ યાદ આવે એટલે ગોળમટોળ, સદાય હસતો, બોયકટ વાળ વાળૉ એક ચહેરો સામે આવી જતો. છેલ્લે એને એના લગ્નમાં જોયેલી. ત્યારે પણ એ જ બોયકટ વાળ અને હસતો ચહેરો. લગ્ન કરીને એ અમેરિકા સ્થાયી થયેલી અને અનુકૂળતાએ ફોન કરતી. અમેરિકાની, ત્યાંની રહેરી-કરણીની, લોકોની વાતો કરતી. બાળકના આવ્યા પછી ફોન કરવાનો અંતરાલ વધતો ગયો. પણ છતાંય ક્યારેક સમય ચોરીને ફોન પર વાત તો કરી જ લેતી.
નાના શહેરની પાંચથી-દસ ધોરણ સુધીની ગલ્સ સ્કૂલમાં સાથે ભણ્યા હતાં. પોતે તો એ જ શહેરમાં રહેતી હતી પણ વનિતા સ્કૂલમાં આવેલી હોસ્ટેલમાં રહેતી હતી. શહેરથી દૂર આવેલા એક ગામમાં એનું ઘર હતું. પણ ગામમાં મોટી સ્કૂલ ન હોવાથી અહીં શહેરમાં રહીને ભણતી હતી. મા-બાપથી દૂર રહેવાની વાત બહુ વિહ્વળ કરતી. પણ વનિતા ટેવાઈ ગઈ હતી.
“તને હોસ્ટેલમાં ગમે છે?”, ક્યારેક વનિતાને પૂછતી પણ ખરી.
અને વનિતા ખાલી સ્મિત કરતી. ક્યારેક ઘરેથી સારો નાસ્તો લાવતી તો વનિતાને આગ્રહપૂર્વક ખવડાવતી. પણ વનિતા મહિનાના છેલ્લા શનિવારે ખૂબ ખુશ રહેતી. કારણ કે દર મહિનાનો છેલ્લો રવિવાર હોસ્ટેલમાં “મળવાની ડેટ” રહેતો. જ્યારે હોસ્ટેલમાં રહેતાં બાળકોને મળવા એમનાં માતા-પિતા આવી શકતાં.
“મમ્મી, ક્યાં ખોવાઈ ગઈ છે?”, દીકરી ચિત્રાએ બૂમ પાડી ને શિખા વર્તમાનમાં આવી.
“મારી ફ્રેન્ડ વનિતા નેક્સ્ટ વિક ઇન્ડિયા આવે છે. એનો જ ફોન હતો. અમે વર્ષો પછી મળીશું.”
“ઓહ, વાઉ. કેટલા વર્ષે મળશો તમે?”
“બીસ-એક વર્ષ પછી બેટા.”, શિખાનો ચમક્તો ચહેરો અત્યારથી જ એના ઉત્સાહની ચાડી ખાતા હતાં.
“બનશે તો હું પણ આવીશ.”
===============================================================
વનિતાના ઇન્ડિયા આવ્યા પછી એક વીકમાં જ હોટેલ ‘દાશાપ્રકાશ’માં ડીનર માટે મળવાનું નક્કી થયું. શિખાને લાગ્યું કે આજે ફરી “મળવાની ડેટ” આવી છે.
શિખા અને ચિત્રા હોટેલ્માં પોંહ્ચ્યા ત્યારે ટેબલ નંબર ૯ પર વનિતા અને એની દીકરી વૃતા રાહ જોતા હતાં.
શિખાને હતું કે આટલાં વર્ષે વનિતા મળશે તો ભેટી જ પડશે. પણ એવો કોઈ ઉમળકો વનિતાના ચહેરા પર કળાયો નહિ. એ જ ગોળ મટોળ ચહેરો, બોયકટ વાળ પણ સદાય હસતો રહેતો ચહેરો ભાવવિહિન લાગ્યો. શિખાએ સ્મિત કર્યું તો પણ કંઇ પ્રતિભાવ નહિ. શિખાને લાગ્યું કે આ એ વનિતા છે જ નહિ.
“બેસો આન્ટી. હાય, ચિત્રા.”, વૃતાએ સ્મિત સાથે બન્નેને આવકાર્યાં.
“આપણે પહેલાં ઓર્ડર કરીએ. પછી વાતો કરીએ.”, ને વૃતાએ મેન્યુ કાર્ડ ચિત્રા સામે ધર્યું.
તમને મમ્મીને અને એના વર્તનને જોઇને આઘાત લાગ્યો હશે. તમારી જીગરજાન મિત્ર સાવ ઉમળકા વગર, સાવ અજાણ્યાની જેમ મળશે એવું ધાર્યું નહિ હોય. સમજી શકુ છું. મમ્મીએ છેલ્લા ત્રણ વર્ષથી અલઝાઇમર છે. એ લગભગ બધુ જ ભૂલી ગઈ છે. ક્યારેક તમને નામથી યાદ કરે છે. પણ તમારા ચહેરાને પણ એ ભૂલી ગઈ છે.
“તો પછી ફોન પર એ મારી સાથે વાત કેવી રીતે કરે છે?”
“હું જ વાત કરુ છું આન્ટી. તમારા બન્નેની ઘણી-બધી વાતો મેં સાંભળી છે. જ્યારે મમ્મી તમને નામથી યાદ કરે ત્યારે હું તમને ફોન કરુ છું. અમારા બન્ને નો અવાજ સરખો છે એટલે તમને ખ્યાલ ન જ આવે.”
શિખાને પહેલી વાર લાગ્યું કે “મળવાની ડેટ” છે છ્તાં વનિતાને એની જાણ નથી અને ખુશ પણ નથી.
