Skip to content

કદર

સુઘડ લેંઘો-ઝભ્ભો, ઓળેલા પણ સાવ સફેદ વાળ, પાતળી પડી ગયેલી કરચયાળી ગોરી ચામડી, ગોલ્ડન ફ્રેમના ચશ્મા ને હાથમાં છાપું. દરરોજના નિત્યક્રમ પ્રમાણે હિંચકે ગોઠવાયા ને પપ્પાએ બૂમ પાડી…

“સવિતા, ચા બની ગઈ?”

હું ચા લઈને આવી તો પપ્પા છોભીલા પડી ગયા.

“સવિતા તો..” શબ્દો ગળામાં ડૂમો બનીને અટકી ગયા. સવાર ક્ષુબ્ધ અને ગંભીર બની ગઈ. ચશ્માની આરપાર હું એમના આંસુ જોઈ ગઈ, મારી આંખ પણ છલકાઈ ગઈ! એમની સાથે હું પણ ચા લઈ હિંચકે ગોઠવાઈ.

“એક વાત પુછુ પપ્પા?”

“હા બોલો ને.”

“મેં કદી તમને મમ્મી આગળ તમારી લાગણી વ્યકત કરતાં નથી જોયા. તમને આટલો બધો ખાલીપો લાગે છે મમ્મીનો?”

“હા સાચી વાત છે. મેં કદી એને કરેલા કાર્યોને બિરદાવ્યા નથી. એ હોંશે-હોંશે જમવાનું બનાવતી, બાળકોને, ઘરને અને સંબંધોને સાચવતી. બઘું જ એકલે હાથે. કોઈ દિવસ કશાની અપેક્ષા’ય નહિ કે ફરિયાદ પણ નહિ! જે મળે, જેવું મળે, સ્વીકારી લે. હું તો ધંધાને સેટ કરવામાં અને કમાવવામાં એટલો પરોવાઈ ગયો’તો કે જીવન ક્યારે છેડે આવીને ઉભું રહ્યું ખબર જ ના પડી. કદાચ મેં એની ક્દર કરી હોત કે બરાબર દરકાર કરી હોત તો આજે મનમાં છે એવો અજંપો ના હોત! ખબર નહોંતી એ આમ અચાનક મને એકલો પાડી દેશે. મૃત્યુ તો આવશે ખબર હતી, પણ સાવ આમ બિલ્લિ પગે આવીને રાત્રે મારી બાજુમાં જ સુતેલી મારી પત્નીને લઈ જશે એવું કદાચ મેં ક્યારેય વિચાર્યું જ નહોતું.” ચશ્મા કાઢી આંખના ખૂણા લૂછતાં પપ્પા બોલ્યા.

આમ તો પપ્પાએ હવે એકલા જીવતા શીખી લીધુ હતું. મમ્મીને ગયે બે વર્ષ થઈ ગયા, પણ હમણાંથી વારેવારે ઢીલા થઈ જતાં. મમ્મીની તીવ્ર યાદ અને ઝુરાપો એમના વર્તનમાં દેખાઈ આવતાં.

જે હિંચકે એ મમ્મી જોડે બેસી સાંજ પસાર કરતા એ હિંચકે કલાકો સુધી ચૂપચાપ બેસી રહેતા. બાળકો સાથે હોય ત્યારે જ જાણે હસતાં, બાકી કોઈ બીજી દુનિયામાં પહોંચી જતા. હિંચકાનો કિચુડ કિચુડ અવાજ જાણે એમની એકલતાનો સાથી બની ગયો હતો. ક્યારેક સમય પસાર કરવા બગીચામાં ફૂલછોડ સરખા કરતાં કે પછી બગીચામાં ફરવા જતાં. જાણે એમની જીવનશૈલીમાં અવરોધ આવી ગયો હોય એમ લાગતું.

જમવામાં બધુ જ ભાવે, કંઈ પણ હોય હોંશથી જમે. પણ હમણાં-હમણાંથી નાસ્તામાં કે જમવામાં કંઈને કંઈ ખોડ કાઢે. આમાં રાઈનો નહિ મેથીનો વઘાર થાય. સવિતા હંમેશાં મેથી નાંખીને સરસ ખીચડી વઘારતી. ઉપરથી ધાણા’ય ભભરાવ્યા હોય. ખાય તો ખરા પણ આંખ સજળ થઈ જાય. પરમ દિવસે મેં ગુલાબી સાડી પહેરી ત્યારે અચાનક કહેલું “સવિતાને આ રંગ બહુ ગમતો…” ને પછી મમ્મીની કોઈ યાદમાં ખોવાઈ ગયેલાં.

સાહજીકતાથી કહે પણ ખરા “સાચુ કહું, હમણાંથી સવિતા બહુ યાદ આવે છે. આ તારા ખાવાની ખોડ કાઢું છું એમ નથી પણ એ બહાને સવિતાને યાદ કરુ છું.”

અમે ઘણી વાર કહેતાં કે સમય પસાર કરવાં કંઈક કરો. પુસ્તકો વાંચવાનો શોખ હતો જે ધંધાની વ્યસ્તતામાં વિસરાઈ ગયો તેને ફરી નવેસરથી શરુ કરો, કોઈ જગ્યાએ જાઓ, લોકોને મળો….તમારું મન પ્રફુલ્લિત રહેશે. પણ મમ્મીના જવાનો આઘાત એમના સ્વભાવને અને એમને હચમચાવી ગયો હતો. જીવનનો રસ જાણે મમ્મીની જોડે જ જતો રહ્યો હતો.
===========================================================================================

બીજે દિવસે સવારે નિયત સમયે પપ્પાની રુમમાંથી ‘ઓમ ત્રમંબકમ યજામહે…’ના મંત્રનો અવાજ ના આવ્યો. ઊઠાડવા ગઈ ત્યારે પપ્પા મમ્મીના ફોટાને બે હાથથી છાતી સરસોં ચાંપી કાયમ માટે સૂઈ ગયેલા. ફોટાનો ચહેરો સંતોષથી છલકતો હતો. મારી આંખ સામે બન્ને ચહેરા ધૂંધળા દેખાવા લાગ્યા!

(પ્રકાશિત – પંખ ઈ-મેગેઝિન, ડિસે.૨૦૧૮)

Published inવાર્તાઓવાર્તાનું આકાશ

4 Comments

  1. Touchy! Beautifully written… Thoroughly enjoyed!
    Wishes,
    Swati Joshi

  2. Ratnesh Ratnesh

    Superb

  3. Pathik Shah Pathik Shah

    Very touchy.. Saras!

  4. Manoj Manoj

    Very fine.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!